News of Wednesday, 31st December 2025
પરંપરા બની જીવલેણ: દક્ષિણ આફ્રિકામાં સુન્નતની ધાર્મિક વિધિ દરમિયાન 41 યુવાનોના કરુણ મોતથી હડકંપ
પુખ્તાવસ્થાની તાલીમ આપતી 'દીક્ષા શાળાઓ' બની મોતનો અડ્ડો: નિર્જલીકરણ અને બેદરકારીએ અનેક પરિવારોની ખુશીઓ છીનવી

જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના વિવિધ સમુદાયોમાં વર્ષોથી ચાલી આવતી 'પુખ્તાવસ્થાના સંસ્કાર'ની પરંપરા આ વર્ષે માતમમાં ફેરવાઈ ગઈ છે. નવેમ્બર અને ડિસેમ્બરના ગાળામાં આયોજિત પરંપરાગત સુન્નત વિધિ દરમિયાન અત્યાર સુધીમાં 41 આશાસ્પદ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખોસા, ન્ડેબેલે અને સોથો જેવા સમુદાયોમાં દર વર્ષે શાળાની રજાઓ દરમિયાન યુવાનોને પહાડો અથવા જંગલોમાં એકાંતમાં રાખવામાં આવે છે, જ્યાં તેમને સામાજિક જવાબદારીઓ શીખવવામાં આવે છે. જોકે, આ પ્રક્રિયાનો મુખ્ય હિસ્સો ગણાતી સુન્નતની વિધિમાં તબીબી માપદંડોના અભાવે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ છે.
દક્ષિણ આફ્રિકાના પરંપરાગત બાબતોના મંત્રી વેલેનકોસિની હલાબિસાએ આ ઘટના પર ભારે આક્રોશ વ્યક્ત કરતા તેને 'સદંતર બેદરકારી' ગણાવી છે. તેમણે ખુલાસો કર્યો કે પૂર્વીય કેપ પ્રાંત આ મૃત્યુનો મુખ્ય હોટસ્પોટ બન્યો છે, જ્યાં એકલા 21 યુવાનોના મોત થયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે ઘણી 'દીક્ષા શાળાઓ' માં યુવાનોને એવી ખોટી સલાહ આપવામાં આવી હતી કે જો તેઓ પાણી પીવાનું ટાળશે તો ઘા જલ્દી રુઝાઈ જશે. આ અંધશ્રદ્ધા અને કાળઝાળ ગરમીને કારણે અનેક યુવાનો ગંભીર નિર્જલીકરણ નો શિકાર બન્યા અને સારવારના અભાવે દમ તોડી દીધો.
આ ગંભીર મામલે સરકારે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે અને અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં માત્ર આયોજકો જ નહીં, પણ એવા માતા-પિતાનો પણ સમાવેશ થાય છે જેમણે પોતાના સંતાનોને આવી અસુરક્ષિત શાળાઓમાં મોકલવા માટે તેમની ઉંમર અંગે ખોટી માહિતી આપી હતી. દક્ષિણ આફ્રિકાના કાયદા મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ વિધિ પ્રતિબંધિત છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે પરંપરાના નામે માનવ જીવન સાથે રમત કરનારાઓને છોડવામાં આવશે નહીં અને ભવિષ્યમાં આવી શાળાઓ પર કડક તબીબી દેખરેખ રાખવામાં આવશે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
