<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ચૂંટણી પંચની બેઠકમાં હંગામો: "આંગળી નીચી રાખીને વાત કરો, તમે નિમણૂક પામેલા છો અને અમે ચૂંટાયેલા!", અભિષેક બેનર્જી અને મુખ્ય કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી

EVM નહીં પણ સોફ્ટવેર અને અલ્ગોરિધમથી વોટ ચોરીનો TMCનો સનસનીખેજ આરોપ; બંગાળને બદનામ કરવાના ષડયંત્ર સામે ૨૦૨૬ની ચૂંટણીમાં જનતા જવાબ આપશે તેવો હુંકાર

નવી દિલ્હી: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અને ચૂંટણી પંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમાર વચ્ચે લગભગ અઢી કલાક સુધી ચાલેલી બેઠક ભારે વિવાદોમાં રહી હતી. SIR (Special Inventory Review) ના મુદ્દે મળેલી આ બેઠકમાં વાત એટલી હદે વણસી ગઈ કે અભિષેક બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને તેમની મર્યાદા યાદ અપાવી દીધી હતી.
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા અભિષેક બેનર્જીએ દાવો કર્યો કે બેઠક દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરે તેમની સામે આંગળી ઉઠાવીને વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના જવાબમાં બેનર્જીએ કહ્યું, "મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આંગળી નીચી કરીને વાત કરો. તમે સરકાર દ્વારા નિમણૂક પામેલા (Nominated) અધિકારી છો, જ્યારે અમે જનતા દ્વારા ચૂંટાયેલા (Elected) પ્રતિનિધિઓ છીએ. જો તમારામાં હિંમત હોય તો આ બેઠકના CCTV ફૂટેજ જાહેર કરો."
TMC નેતાએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, હવે EVM થી નહીં પણ સોફ્ટવેર અને અલ્ગોરિધમ દ્વારા મતદાર યાદીમાં હેરફેર કરીને 'ડિજિટલ વોટ ચોરી' કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે ૧.૩૬ કરોડ કિસ્સાઓમાં 'લોજિકલ ડિસ્ક્રીપન્સી' બતાવીને મતદારોના નામ કાપવામાં આવી રહ્યા છે. તેમણે વિપક્ષી દળોને ચેતવણી આપી કે ભાજપ મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હીમાં આ જ ફોર્મ્યુલાથી જીત મેળવી રહી છે.
 અભિષેક બેનર્જીએ બંગાળને રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરોના નામે બદનામ કરવાના પ્રયાસો સામે પણ રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું, "જો ૫૮ લાખ લોકોની યાદી તમારી પાસે હોય, તો સાચું જણાવો કે તેમાં કેટલા ગેરકાયદેસર પ્રવાસી છે? જૂઠો પ્રચાર બંધ કરો. જો કોઈ ગેરકાયદેસર હશે તો અમે પોતે તેમને બહાર કરવાના પક્ષમાં છીએ, પણ નિર્દોષ મતદારોને હેરાન કરવાનું બંધ કરો." નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, અને તે પૂર્વે મતદાર યાદીના મુદ્દે TMC અને ચૂંટણી પંચ વચ્ચેનો આ જંગ હવે વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

(8:52 PM IST)