News of Wednesday, 31st December 2025
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યાદવ પરિવારની ચિંતા વધી: લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ ઇમરજન્સીમાં દાખલ; પેટમાં અસહ્ય દુખાવા બાદ હોસ્પિટલ દોડ્યા
પટનાની મેડિવર્સલ હોસ્પિટલમાં બે કલાક સુધી ચાલી મેડિકલ તપાસ, ડોક્ટરોએ અલ્ટ્રાસાઉન્ડ બાદ આપી દવા; હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેજ પ્રતાપે બિહારની જનતાને પાઠવી 2026 ની શુભકામના

પટના: બિહારના રાજકારણના સૌથી મોટા પરિવાર એટલે કે લાલુ પ્રસાદ યાદવના ઘરે વર્ષના છેલ્લા દિવસે ચિંતાના વાદળો છવાયા હતા. આરજેડી સુપ્રીમોના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવની તબિયત બુધવારે સવારે અચાનક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેજ પ્રતાપ યાદવને પેટના ભાગે તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. દુખાવો અસહ્ય થતાં તેઓ કોઈની રાહ જોયા વગર જાતે જ પટનાના કાંકરબાગ સ્થિત મેડિવર્સલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ મંગળવારે રાત્રે પણ આ જ હોસ્પિટલમાં એક પરિચિત દર્દીની મુલાકાત લેવા આવ્યા હતા, પરંતુ બુધવારે તેઓ પોતે જ દર્દી બનીને પહોંચતા સમર્થકોમાં ફાળ પડી હતી.
તેજ પ્રતાપ યાદવ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરોની સ્પેશિયલ ટીમે તેમનું ચેકઅપ કર્યું હતું. ડો. મરાચી રંજને તેમની તપાસ કરી હતી અને ડો. પિયુષે તાત્કાલિક અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ કરાવ્યો હતો. રાહતની વાત એ છે કે તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે. ડોક્ટરોએ તેને સામાન્ય ઈન્ફેક્શન અથવા ગેસની સમસ્યા ગણાવી જરૂરી દવાઓ આપી આરામ કરવાની સલાહ આપી છે.
સારવાર બાદ જ્યારે તેજ પ્રતાપ હોસ્પિટલની બહાર આવ્યા ત્યારે તેઓ કડકડતી ઠંડીથી બચવા માટે માથા પર જાડું મફલર અને ઉનનો ધાબળો ઓઢીને જોવા મળ્યા હતા. તબિયત નાજુક હોવા છતાં તેમણે હસતા મુખે પત્રકારોને જણાવ્યું કે, "આગામી નવું વર્ષ ૨૦૨૬ દરેક માટે મંગલમય રહેશે." તેમણે પોતાના પરિવાર, નાના ભાઈ તેજસ્વી અને બિહારની જનતાને નવા વર્ષની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી હતી. હાલમાં તેમની તબિયત સ્થિર છે અને તેઓ પટના સ્થિત નિવાસસ્થાને આરામ કરી રહ્યા છે
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
