<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

નવા વર્ષનું ભવ્ય સ્વાગત: પૂર્વમાં જગન્નાથના જયઘોષ અને ઉત્તરમાં હિમવર્ષા વચ્ચે 2026ની ધમાકેદાર શરૂઆત

પુરીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, હિમાચલમાં બરફની ચાદર અને નાગાલેન્ડમાં ફટાકડાની આતશબાજી; દેશભરમાં આશા અને ઉમંગ સાથે નવા વર્ષને વધાવવામાં આવ્યું

 
પુરી: તા.૦૧: સમગ્ર વિશ્વની સાથે ભારતભરમાં પણ નવા વર્ષ 2026નું અત્યંત હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે. વર્ષના પ્રથમ દિવસે લોકોએ મંદિરોમાં દેવી-દેવતાઓના આશીર્વાદ લીધા હતા, તો પ્રવાસીઓએ પહાડોની ઠંડી અને હિમવર્ષા વચ્ચે નવા વર્ષની ઉજવણી કરી હતી.
પુરીમાં ભક્તિનો મહાસાગર: જગન્નાથના દર્શન સાથે શરૂઆત
ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. સવારથી જ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભીડને જોતા વહીવટીતંત્રે 'સિંહ દ્વાર' દ્વારા પ્રવેશનું વિશેષ નિયમન કર્યું હતું. શ્રદ્ધાળુઓએ વર્ષભર સુખ-શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. ભુવનેશ્વરના લિંગરાજ મંદિર અને સંબલપુરના સમલેશ્વરી મંદિરમાં પણ ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો.
હિમાચલમાં પ્રકૃતિનો ઉપહાર: પ્રવાસીઓની મોજ
હિમાચલ પ્રદેશમાં નવા વર્ષની ઉજવણીમાં કુદરતે પણ સાથ આપ્યો છે. મનાલી, શિમલા અને અટલ ટનલ રોહતાંગ જેવા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થતા પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. શિમલા અને કાંગરામાં ચાલી રહેલા 'વિન્ટર કાર્નિવલ'માં હિમાચલી સંસ્કૃતિ અને ભોજનનો પર્યટકો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વધુ હિમવર્ષાની આગાહી કરી છે, જેને લઈને સહેલાણીઓમાં અનેરો ઉત્સાહ છે.
નાગાલેન્ડમાં 'થેંક્સગિવિંગ' અને આતશબાજી
નાગાલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત પરંપરાગત અને આધુનિક એમ બંને શૈલીમાં થયું હતું. મધ્યરાત્રિએ ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, જેમાં લોકોએ વીતેલા વર્ષનો આભાર માની નવા વર્ષ માટે શાંતિની કામના કરી હતી. રાત પડતા જ આખું આકાશ રંગબેરંગી ફટાકડાઓથી ઝગમગી ઉઠ્યું હતું. મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ રાજ્યના લોકોને પ્રગતિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી.
ઓડિશાના મુખ્યમંત્રીનો કડક આદેશ
ઉજવણીની વચ્ચે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારી કચેરીઓમાં મોંઘા ગુલદસ્તા અને પાર્ટીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે રાજ્યને દેશના ટોચના 5 રાજ્યોમાં લાવવા માટે 15-મુદ્દાના ચાર્ટરના અમલીકરણ પર ભાર મૂક્યો છે.

(4:39 PM IST)