News of Thursday, 1st January 2026
રશિયાની સૌથી મોટી તેલ રિફાઇનરી પર યુક્રેનનો હૂમલો
ક્રાતાોદર ક્ષેત્રમાં યુક્રેનનો વિસ્ફોટક હુમલોઃ રશિયન સેનાના ફયુઅલ સપ્લાય પર યુક્રેને ફટકાર્યો મોટો ફટકોઃ શાંતિ વાટાઘાટો વચ્ચે રણમેદાનમાં લોહીયાળ શરૂઆત

મોસ્કો, તા.૧: વર્ષ ૨૦૨૬ના ᅠપ્રથમ દિવસે જ રશિયાના ક્રાતાોદર ક્ષેત્રમાં યુક્રેને એક મોટો બોમ્બ બ્લાસ્ટ કર્યો છે. યુક્રેનિયન સૈન્યએ તેના અત્યાધુનિક ડ્રોન દ્વારા રશિયાની સંવેદનશીલ ગણાતી ઇલ્સ્કી તેલ રિફાઇનરીને નિશાન બનાવી છે. હુમલો એટલો સચોટ હતો કે મિનીટોમાં જ આખું રિફાઇનરી સંકુલ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. રશિયા માટે આ એક મોટો આંચકો છે, કારણ કે આ ૨૦૨૬માં નિશાન બનેલી પહેલી મોટી તેલ રિફાઇનરી છે. આ હુમલા દ્વારા યુક્રેને સાબિત કરી દીધું છે કે તે હવે રશિયાના ઘર આંગણે યુદ્ધ લડવાની પૂરી તૈયારી કરી ચૂકયું છે.
યુક્રેનિયન સ્પેશિયલ ફોર્સે માત્ર ઇલ્સ્કી જ નહીં, પરંતુ રશિયાની ૧૦ સૌથી મોટી રિફાઇનરીઓમાં સ્થાન ધરાવતી તુઆપ્સે પર પણ કમરતોડ પ્રહાર કર્યો છે. આ રિફાઇનરી રશિયન સૈન્યને બળતણ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. યુક્રેનિયન જનરલ સ્ટાફના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલામાં રિફાઇનરીના મુખ્ય પ્રોસેસિંગ યુનિટને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, તામન દ્વીપકલ્પ પર આવેલા તામાનેફ્ટેગાઝ તેલ ટર્મિનલ પર પણ ડ્રોનનો વરસાદ કરવામાં આવ્યો હતો, જેના કારણે રશિયાની નિકાસ ક્ષમતાને મોટું નુકસાન પહોંચ્યું છે.
રશિયાના વ્યૂહાત્મક તેલ ભંડાર ગણાતા રોસરેઝર્વના કામચલાઉ ડેપોને પણ યુક્રેને છોડ્યા નથી. હુમલા બાદ ત્યાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા માટે રશિયન ફાયર ફાઇટર્સ કલાકોથી મથામણ કરી રહ્યા છે. યુક્રેને આ વખતે તેલ ડેપોની સાથે સાથે રશિયાના કબજા હેઠળના ક્રિમીઆ અને ડોનેટ્સક પ્રદેશોમાં લશ્કરી મથકો અને દારૂગોળાના ભંડાર પર પણ હુમલા તેજ કર્યા છે. ક્રિમીઆમાં રશિયન નૌકાદળના એક કામચલાઉ મથકને નષ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે, જે રશિયન લોજિસ્ટિક્સ માટે મોટો ઝટકો સાબિત થશે.
વર્ષ ૨૦૨૫ના અંત સુધી શાંતિ વાટાઘાટોની આશા રાખવામાં આવી રહી હતી, પરંતુ ૨૦૨૬ના પ્રારંભે થયેલા આ હુમલાઓએ તે આશા પર પાણી ફેરવી દીધું છે. યુક્રેનની આ નવી વ્યૂહરચના રશિયાની અર્થવ્યવસ્થાને તોડવા માટે બનાવવામાં આવી હોય તેમ જણાય છે. તેલ રિફાઇનરીઓ સળગતા રશિયામાં હવે ઇંધણની અછત ઉભી થઈ શકે છે, જેની સીધી અસર યુદ્ધના મેદાનમાં પુતિનની સેના પર પડશે. નવા વર્ષની આ લોહીયાળ શરૂઆત સૂચવે છે કે ૨૦૨૬માં પણ રશિયા-યુક્રેન સંઘર્ષ અટકવાને બદલે વધુ આક્રમક બનશે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
