News of Thursday, 1st January 2026
ટ્રમ્પ બીમાર પડશે અને માદુરો દેશ છોડી ભાગશે! પેરુના શામન્સ (તાંત્રિકો) એ વર્ષ 2026 માટે કરી ભયાનક ભવિષ્યવાણી
લિમાના દરિયા કિનારે અનોખી વિધિ દ્વારા વિશ્વ નેતાઓના ભાવિ ભાખવામાં આવ્યા: રશિયા-યુક્રેન યુદ્ધનો અંત અને પેરુમાં મહિલા શાસકના આગમનની આગાહી

લિમા (પેરુ): તા.૦૧: નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે પેરુના રહસ્યમયી શામન્સ (પરંપરાગત તાંત્રિકો અને ભવિષ્યવક્તાઓ) એ વિશ્વના શક્તિશાળી નેતાઓને લઈને ચોંકાવનારી આગાહીઓ કરી છે. દર વર્ષની જેમ આ વખતે પણ દક્ષિણ લિમાના એક દરિયા કિનારે રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ શામન્સ એકઠા થયા હતા અને ફૂલો, ધૂપ તેમજ તલવારોની મદદથી પૂર્વજોની વિધિ કરી વર્ષ ૨૦૨૬નું ભાવિ ભાખ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નિકોલસ માદુરો પર જોખમ
આગાહી કરનારા જૂથના મુખ્ય શામન જુઆન ડી ડાયોસ ગાર્સિયાએ જાહેરાત કરી છે કે અમેરિકાએ તૈયાર રહેવું જોઈએ, કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ગંભીર બીમારીનો શિકાર બની શકે છે. બીજી તરફ, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો માટે આ વર્ષ પતનનું વર્ષ સાબિત થશે. શામન્સના મતે માદુરોની સત્તા જશે અને તેઓ ધરપકડથી બચવા માટે વેનેઝુએલા છોડીને ભાગી જશે.
યુદ્ધનો અંત અને શાંતિનો ધ્વજ
વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષો વિશે વાત કરતા શામન્સે હકારાત્મક સંકેત આપ્યા છે. તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પોસ્ટરો પર વિધિ કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૬માં આખરે યુક્રેન યુદ્ધનો અંત આવશે. ગાર્સિયાએ આગાહી કરી છે કે બંને દેશો શાંતિનો ધ્વજ લહેરાવશે અને વિશ્વમાં ચાલી રહેલી તંગદિલી ઓછી થશે.
પેરુમાં પરિવર્તનની લહેર
સ્થાનિક રાજકારણ વિશે આગાહી કરતા તેમણે જણાવ્યું કે ત્રણ વખત નિષ્ફળ રહેલી કેઇકો ફુજીમોરી (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફુજીમોરીની પુત્રી) આખરે ૨૦૨૬માં પેરુની રાષ્ટ્રપતિ બનશે. શામન્સે દાવો કર્યો છે કે તેમણે 'વાચુમા' નામના પવિત્ર છોડના માધ્યમથી આ વિઝન જોયું છે.
નોંધનીય છે કે આ શામન્સ દર વર્ષે આવી આગાહીઓ કરે છે. જોકે ભૂતકાળમાં તેમની કેટલીક આગાહીઓ (જેમ કે ૨૦૨૩માં યુદ્ધ વિરામ) ખોટી પણ પડી છે, તેમ છતાં દર વર્ષે તેમની આ અનોખી વિધિ વિશ્વભરનું ધ્યાન ખેંચે છે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
