સરહદે તણાવ છતાં સંબંધોની 'ન્યુક્લિયર' મર્યાદા જળવાઈ: ભારત-પાકિસ્તાને પરસ્પર પરમાણુ સ્થાપનોની યાદી સોંપી
35 વર્ષથી અતૂટ પરંપરા: નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે રાજદ્વારી ચેનલો દ્વારા યાદીનું આદાનપ્રદાન, પરસ્પર હુમલો ન કરવાની કરાર હેઠળની ખાતરી

નવી દિલ્હી: તા.૦૧: ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે રાજદ્વારી સંબંધોમાં લાંબા સમયથી ઠંડી વરતાતી હોય, પરંતુ પરમાણુ સુરક્ષાના મામલે બંને દેશોએ પોતાની ત્રણ દાયકા જૂની પરંપરાને વળગી રહેવાનું નક્કી કર્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે, ગુરુવારે બંને પડોશી દેશોએ પોતપોતાના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદી એકબીજાને સોંપી હતી. આ પ્રક્રિયા એક દ્વિપક્ષીય કરાર હેઠળ કરવામાં આવે છે જે બંને દેશોને એકબીજાના પરમાણુ કેન્દ્રો પર હુમલો કરવાથી રોકે છે.
દુશ્મનાવટ વચ્ચે પણ જળવાયો શિષ્ટાચાર
નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી લશ્કરી ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ છે. આમ છતાં, પરમાણુ સ્થાપનોની વિગતો શેર કરવી એ દર્શાવે છે કે બંને દેશો પરમાણુ જોખમને ટાળવા માટે ગંભીર છે. વિદેશ મંત્રાલયે (MEA) જણાવ્યું હતું કે આ યાદીનું આદાનપ્રદાન નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એકસાથે કરવામાં આવ્યું છે.
કરારનો ઇતિહાસ અને મહત્વ
આ પ્રક્રિયા 'પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પર હુમલા પર પ્રતિબંધ' અંગેના કરાર હેઠળ કરવામાં આવે છે. આ ઐતિહાસિક કરાર પર ૩૧ ડિસેમ્બર, ૧૯૮૮ ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ૨૭ જાન્યુઆરી, ૧૯૯૧ ના રોજ તેનો અમલ શરૂ થયો હતો. આ કરાર મુજબ, દર વર્ષે ૧ જાન્યુઆરીના રોજ બંને દેશોએ ફરજિયાતપણે પોતાના પરમાણુ કેન્દ્રોની માહિતી એકબીજાને આપવાની હોય છે.
સતત ૩૫મી વખત વિગતોની આપ-લે
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧ જાન્યુઆરી ૧૯૯૨ ના રોજ પ્રથમ વખત આ યાદીઓની આપ-લે થઈ હતી, ત્યારથી અત્યાર સુધીમાં આ સતત ૩૫મું વર્ષ છે જ્યારે બંને દેશોએ આ પરંપરા જાળવી રાખી છે. આ યાદીમાં પરમાણુ રિએક્ટર્સ, ફ્યુઅલ ફેબ્રિકેશન સુવિધાઓ અને અન્ય મહત્વપૂર્ણ પરમાણુ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ આદાનપ્રદાનનો મુખ્ય હેતુ એ છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં ભૂલથી પણ આવા સંવેદનશીલ સ્થળો પર હુમલો ન થાય, જે આખા વિસ્તાર માટે વિનાશક સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
