News of Thursday, 1st January 2026
શી જિનપિંગની વિસ્તારવાદી ગર્જના: "તાઇવાનનું વિલીનીકરણ અનિવાર્ય" : બ્રહ્મપુત્ર પર દુનિયાના સૌથી મોટા ડેમ સાથે ભારતની ઉંઘ ઉડાડી
૨૦૨૬ના સંબોધનમાં ચીને લશ્કરી તાકાત અને ટેકનોલોજીનું કર્યું પ્રદર્શન : ૧૭૦ બિલિયનના ખર્ચે તિબેટમાં મહાકાય ડેમનું નિર્માણ અને ફુજિયાન એરક્રાફ્ટ કેરિયરની જાહેરાતથી એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા

બેઇજિંગ, : ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ૨૦૨૬ના નવા વર્ષના સંબોધનને પોતાની 'શક્તિ પ્રદર્શન'ની તક બનાવી દીધી છે. તેમણે અત્યંત કડક શબ્દોમાં જાહેરાત કરી છે કે તાઇવાનનું ચીન સાથે પુનઃમિલન એ "સમયની જરૂરિયાત" છે અને તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. જિનપિંગનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીની ફાઇટર જેટ્સ અને એરક્રાફ્ટ કેરિયર્સ તાઇવાનની સરહદ પાસે સતત યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. "લોહીના સંબંધો"નો હવાલો આપીને શીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ચીન હવે માત્ર વાતો નહીં, પણ જમીન પર કબજો કરવાની તૈયારીમાં છે, જેનાથી પેસિફિક ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
ભારત માટે સૌથી મોટો ખતરો બ્રહ્મપુત્ર (યાર્લુંગ ઝાંગબો) નદી પર બની રહેલો વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ છે. જિનપિંગે ગર્વ સાથે જણાવ્યું કે $૧૭૦ બિલિયનના ખર્ચે આ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. અરુણાચલ પ્રદેશની સરહદની અત્યંત નજીક બની રહેલો આ ડેમ ભારત અને બાંગ્લાદેશ માટે 'વોટર બોમ્બ' સમાન છે. ચીન પાસે હવે નદીના પ્રવાહને નિયંત્રિત કરવાની તાકાત હશે, જેનો ઉપયોગ તે યુદ્ધ જેવી સ્થિતિમાં અચાનક પૂર લાવવા અથવા પાણીની અછત સર્જવા માટે કરી શકે છે. પર્યાવરણીય રીતે સંવેદનશીલ આ વિસ્તારમાં ચીનનું આ બાંધકામ ભારતની સુરક્ષા અને ભૌગોલિક અખંડિતતા માટે ગંભીર પડકાર છે.
પોતાની સૈન્ય શક્તિનો પરિચય આપતા શીએ જાહેર કર્યું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક કેટપલ્ટથી સજ્જ એરક્રાફ્ટ કેરિયર 'ફુજિયાન' હવે ઓપરેશનલ થઈ ગયું છે, જે ચીનને અમેરિકાની સમકક્ષ લાવી દે છે. આ સાથે જ તેમણે કુંગ ફુ કરતા હ્યુમનોઇડ રોબોટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં ચીનની સરસાઈની પણ વાત કરી. જોકે એક તરફ તેઓ વૈશ્વિક શાંતિની વાતો કરે છે, તો બીજી તરફ ચીનનો જીડીપી ૨૦ ટ્રિલિયન ડોલરને વટાવી જવાનો દાવો કરીને આર્થિક અને સૈન્ય દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જિનપિંગની આ 'નવા વર્ષની ચેતવણી'એ ભારત સહિત પશ્ચિમી દેશોને પોતાની રણનીતિ પર ફરી વિચાર કરવા મજબૂર કર્યા છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
