પુતિનની ગર્જના : "અમે જ જીતીશું" : નવા વર્ષના સંદેશમાં યુક્રેન સામે આરપારના જંગની લલકાર
સત્તાના ૨૬ વર્ષ પૂર્ણ કરી રહેલા પુતિને રશિયન સૈનિકોને 'હીરો' ગણાવ્યા : રશિયા-યુક્રેન સરહદ પર વધતા તણાવ વચ્ચે શાંતિ વાટાઘાટોની આશા ધૂંધળી : પશ્ચિમી દેશોએ રશિયા પર લગાવ્યો હિંસા ભડકાવવાનો આરોપ

મોસ્કો : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વર્ષ ૨૦૨૬ના પ્રારંભે રશિયાના સૌથી પૂર્વીય છેડે આવેલા કામચાટકા દ્વીપકલ્પ પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. લગભગ ચાર વર્ષથી ચાલી રહેલા સંઘર્ષ છતાં પુતિનના વલણમાં જરાય નરમાશ જોવા મળી ન હતી. તેમણે ફ્રન્ટ લાઇન પર લડતા રશિયન જવાનો અને કમાન્ડરોને સંબોધતા કહ્યું કે, "આખો દેશ તમારા પર ગર્વ કરે છે, તમે અમારા અસલી હીરો છો. અમને રશિયાની જીતમાં પૂરો વિશ્વાસ છે." પુતિનનું આ સંબોધન એવા સમયે આવ્યું છે જ્યારે યુક્રેન યુદ્ધમાં બંને પક્ષે ભારે જાનહાનિ થઈ છે, તેમ છતાં રશિયા પીછેહઠ કરવા તૈયાર નથી.
પુતિને પોતાના આખા ભાષણમાં યુદ્ધના પ્રયાસો અને રાષ્ટ્રીય ગૌરવ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે, તાજેતરમાં રશિયાએ યુક્રેન પર તેમના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કરવાનો જે ગંભીર આરોપ લગાવ્યો હતો, તેનો પુતિને પોતાના સત્તાવાર સંબોધનમાં ઉલ્લેખ સુદ્ધાં કર્યો ન હતો. ૩૧ ડિસેમ્બરના રોજ પુતિને રશિયાના સર્વોચ્ચ નેતા તરીકે ૨૬ વર્ષ પૂર્ણ કર્યા છે, જે તેમની સત્તા પરની મજબૂત પકડ દર્શાવે છે. બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી ૬ જાન્યુઆરીએ ફ્રાન્સમાં સાથી દેશો સાથે મોટી બેઠક કરવાના છે, જેનાથી રશિયા વધુ આક્રમક બને તેવી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વાકયુદ્ધ પણ તેજ બન્યું છે. યુરોપિયન યુનિયન (EU) ના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે રશિયાના આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું છે કે મોસ્કો ઈરાદાપૂર્વક દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે જૂઠાણા ફેલાવી રહ્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે ડ્રોન હુમલાના જે વીડિયો જાહેર કર્યા છે, તેની સત્યતા પર પણ પશ્ચિમી નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે. યુરોપિયન યુનિયનનું માનવું છે કે રશિયા શાંતિ વાટાઘાટોને જાણીજોઈને પાટા પરથી ઉતારી રહ્યું છે. નવા વર્ષની આ શરૂઆત સૂચવે છે કે ૨૦૨૬માં પણ રશિયા-યુક્રેન વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલુ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
