News of Thursday, 1st January 2026
ડોનાલ્ડ ટ્રમ્પનો 'ડબલ રોલ' ખુલ્લો પડ્યો: જાહેરમાં જીતનો દાવો, પણ ખાનગીમાં હાર સ્વીકારી હતી; સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથની જુબાનીથી યુએસમાં ખળભળાટ
'શું હું આ માણસ સામે હારી ગયો?'- જો બાઇડન માટે ટ્રમ્પે ઉચ્ચારેલા શબ્દો હવે સત્તાવાર જુબાનીમાં નોંધાયા; 2020 ની ચૂંટણી હાર્યા હોવાનું જાણતા હોવા છતાં સમર્થકોને ગેરમાર્ગે દોર્યાનો આરોપ

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં છે. યુએસ સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથે આપેલી એક ખાનગી જુબાનીના ૨૫૫ પાનાના ટ્રાન્સક્રિપ્ટ સાર્વજનિક થતા જ અમેરિકી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જેક સ્મિથે દાવો કર્યો છે કે, વર્ષ ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પે જાહેરમાં ભલે છેતરપિંડીના આરોપો લગાવ્યા હોય, પરંતુ ખાનગીમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ જો બાઇડન સામે ચૂંટણી હારી ગયા હતા.
'તમે હારો કે જીતો, નરકની જેમ લડો'
હાઉસ જ્યુડિશિયરી કમિટી સમક્ષ જેક સ્મિથે આપેલા નિવેદન મુજબ, ટ્રમ્પે અન્ય લોકોની હાજરીમાં સ્વીકાર્યું હતું કે તેઓ હારી ગયા છે. સ્મિથે જુબાનીમાં જણાવ્યું કે ટ્રમ્પે એક સમયે કહ્યું હતું કે, "તમે ચૂંટણી જીત્યા કે હારી ગયા તેનાથી કોઈ ફરક પડતો નથી. તમારે હજુ પણ નરકની જેમ લડવાનું છે." એટલું જ નહીં, જો બાઇડનનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, "શું તમે માની શકો છો કે હું આ વ્યક્તિ (બાઇડન) સામે હારી ગયો?"
તપાસ રોકવાના પ્રયાસો અને કેસ રદ
જેક સ્મિથે ૨૦૨૩માં ટ્રમ્પ વિરુદ્ધ બે મહત્વના કેસ દાખલ કર્યા હતા: એક વર્ગીકૃત દસ્તાવેજોની ગેરકાયદે જાળવણી અને બીજો ૨૦૨૦ની ચૂંટણીના પરિણામો ઉથલાવવાનું કાવતરું. જોકે, ૨૦૨૪ની ચૂંટણીમાં ટ્રમ્પની ભવ્ય જીત બાદ, ન્યાય વિભાગની 'વર્તમાન રાષ્ટ્રપતિ પર કેસ ન ચલાવવાની' નીતિને ટાંકીને સ્મિથે બંને કેસ પડતા મૂકવા પડ્યા હતા. ટ્રમ્પ અને તેમના સમર્થકોએ આ તપાસને હંમેશા 'રાજકીય કિન્નાખોરી' ગણાવી છે.
સમર્થકોને માફી અને ૬ જાન્યુઆરીની ઘટના
ટ્રમ્પે જાન્યુઆરી ૨૦૨૫માં બીજી વખત પદ સંભાળ્યા બાદ તુરંત જ ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના કેપિટોલ હિલ્સ રમખાણોમાં સામેલ તોફાનીઓને માફી આપી દીધી હતી. જેક સ્મિથનું માનવું છે કે ટ્રમ્પની આ 'ખાનગી કબૂલાત' સાબિત કરે છે કે તેઓ જાણતા હતા કે ચૂંટણી પરિણામો સાચા હતા, તેમ છતાં તેમણે સત્તા જાળવી રાખવા માટે પ્રયાસો કર્યા હતા. વ્હાઇટ હાઉસે હાલમાં આ વિસ્ફોટક ટ્રાન્સક્રિપ્ટ પર કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
