<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ગુજરાત કેડરના સિનિયર આઈપીએસ શમશેર સિંઘને કેન્‍દ્રમાંથી મુક્‍ત કરાયાઃ તાત્‍કાલિક અસરથી ગુજરાત પરત ફરશેઃ ગુજરાત પોલીસમાં મોટા ફેરફારોના એંધાણ?

 નવી દિલ્‍હી/ગાંધીનગરઃ કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયે આજે એક મહત્‍વનો આદેશ જારી કરીને ગુજરાત કેડરના ૧૯૯૧ની બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી શ્રી શમશેર સિંઘને તેમના મૂળ કેડર (ગુજરાત)માં પરત મોકલવાની મંજૂરી આપી દીધી છે. તેઓ હાલમાં કેન્‍દ્ર સરકારમાં ડેપ્‍યુટેશન પર બોર્ડર સિક્‍યુરિટી ફોર્સ (બીએસએફ)માં એડિશનલ ડાયરેક્‍ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

 આજે તારીખ ૨ જાન્‍યુઆરી, ૨૦૨૬ના રોજ ગૃહ મંત્રાલયના પોલીસ ડિવિઝન દ્વારા જારી કરવામાં આવેલા ઓફિસ મેમોરેન્‍ડમમાં જણાવવામાં આવ્‍યું છે કે, સક્ષમ સત્તાધિકારીએ શ્રી શમશેર સિંઘના પ્રિ-મેચ્‍યોર રિ પેટ્રિએશન (નિયત સમય કરતા વહેલા પરત ફરવા)ને મંજૂરી આપી છે. આ આદેશમાં સ્‍પષ્ટ લખવામાં આવ્‍યું છે કે તેમને 'તાત્‍કાલિક અસરથી' ગુજરાત કેડરમાં પરત મોકલવામાં આવે.

 શ્રી શમશેર સિંઘ જેવા અનુભવી અને સિનિયર અધિકારીની કેન્‍દ્રમાંથી ગુજરાતમાં વાપસી થતાં જ રાજ્‍યના આઈપીએસ બેડામાં મોટા ફેરફારોની ચર્ચાએ જોર પકડ્‍યું છે. શ્રી સિંઘ અગાઉ વડોદરાના પોલીસ કમિશનર તરીકે તથા રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થાના એડિશનલ ડીજીપી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્‍યા છે.

 વહીવટી કુશળતા અને કડક અધિકારી તરીકેની છબી ધરાવતા શમશેર સિંઘને રાજ્‍ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કોઈ અત્‍યંત મહત્‍વની જવાબદારી સોંપવામાં આવે તેવી પ્રબળ શક્‍યતાઓ છે. ટૂંક સમયમાં રાજ્‍ય સરકાર દ્વારા તેમની નવી નિમણૂક અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. (૩૮.૩૭)

(3:30 PM IST)