<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ઉસ્માન ખ્વાજાની આંખમાં આંસુ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા: 'હું મુસ્લિમ હોવાથી મારી સાથે ભેદભાવ થયો', સિડની ટેસ્ટ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર લગાવ્યા ગંભીર આરોપ

૮૭ ટેસ્ટ અને ૧૫ વર્ષની સફરનો કરુણ અંત: 'ગોલ્ફ કાંડ' થી લઈને પાકિસ્તાની મૂળ હોવા સુધીના અપમાનો પર ખ્વાજાએ ઠાલવ્યું દર્દ, કહ્યું- 'આગામી ખ્વાજા માટે રસ્તો સરળ બનાવવા માંગુ છું'

સિડની : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં આજે એક યુગનો અંત આવ્યો છે, પરંતુ આ વિદાય સુખદ રહી નથી. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ઉસ્માન ખ્વાજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડ સામે સિડનીમાં રમાનારી એશિઝ શ્રેણીની પાંચમી ટેસ્ટ ખ્વાજાની કારકિર્દીની છેલ્લી મેચ બની રહેશે. જોકે, મેદાન છોડતા પહેલા ખ્વાજાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટની કાળી બાજુ ઉજાગર કરતા ખળભળાટ મચાવી દીધો છે.
ખ્વાજાએ ભાવુક થઈને કહ્યું કે, ૧૫ વર્ષની કારકિર્દીમાં તેને સતત તેના પાકિસ્તાની મૂળ અને મુસ્લિમ હોવાને કારણે નિશાન બનાવવામાં આવ્યો છે. તેણે ગંભીર આક્ષેપ કર્યો કે, "જે પ્રકારની કડવી ટીકાઓ અને માનસિક ત્રાસ મારે સહન કરવો પડ્યો છે, તેવો વ્યવહાર અન્ય કોઈ ગોરા ખેલાડી સાથે ક્યારેય કરવામાં આવ્યો નથી. હું એ જ જાતિવાદી માનસિકતા વચ્ચે મોટો થયો છું અને મને દુઃખ છે કે આપણે હજુ તેનાથી પૂરેપૂરા મુક્ત થયા નથી."
: તાજેતરના પર્થ ટેસ્ટના કિસ્સાને યાદ કરતા ખ્વાજાએ જણાવ્યું કે, ઇજાના કારણે જ્યારે તે ઓપનિંગ ન કરી શક્યો, ત્યારે મીડિયા અને પૂર્વ ખેલાડીઓએ તેના પર પલટવાર કર્યો હતો. ખ્વાજાએ પ્રશ્ન ઉઠાવ્યો કે, "ઘણા ખેલાડીઓ મેચના આગલા દિવસે ગોલ્ફ રમે છે અથવા દારૂ પીવે છે અને ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે કોઈ કંઈ બોલતું નથી. પણ જ્યારે હું કંઇક કરું છું, ત્યારે મારા પર અંગત હુમલાઓ કરવામાં આવે છે."
 ઉસ્માન ખ્વાજાએ ૨૦૧૧માં પદાર્પણ કર્યું હતું. તેણે ૮૭ ટેસ્ટ મેચોમાં ૪૩.૩૯ની શાનદાર સરેરાશથી ૬,૨૦૬ રન બનાવ્યા છે. જેમાં ૧૬ સદી અને ૨૮ અડધી સદીનો સમાવેશ થાય છે. ૨૩૨ રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. ખ્વાજાએ સ્પષ્ટ કર્યું કે તેનો આગામી ધ્યેય હવે એ સુનિશ્ચિત કરવાનો છે કે ભવિષ્યમાં કોઈ પણ લઘુમતી સમુદાયના ખેલાડીએ તેની જેમ દરરોજ પોતાની ઓળખ માટે લડવું ન પડે.

(8:35 PM IST)