News of Friday, 2nd January 2026
છત્તીસગઢમાં માનવતા શરમાઈ: કોલસા ખાણના વિરોધમાં ભીડે મહિલા કોન્સ્ટેબલ પર કર્યો હુમલો, કપડાં ફાડી નાખ્યાનો વીડિયો વાયરલ થતા દેશભરમાં રોષ
"ભાઈ, મને જવા દો, મેં કંઈ નથી કર્યું..." મહિલા પોલીસકર્મીની આજીજી છતાં નરાધમોએ અત્યાચાર ગુજાર્યો: બે આરોપીની ધરપકડ, કોંગ્રેસે સુરક્ષા વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

રાયગઢ (છત્તીસગઢ), તા. 02 : છત્તીસગઢના રાયગઢ જિલ્લામાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિચલિત કરનારા વીડિયોમાં, ખાણકામ વિરોધી પ્રદર્શન દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ ફરજ પર તૈનાત એક મહિલા કોન્સ્ટેબલને નિશાન બનાવી હતી. ભીડે માત્ર મહિલા પોલીસકર્મી સાથે મારપીટ જ ન કરી, પરંતુ નિર્દયતાની હદ વટાવતા તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રડતી રહી મહિલા કોન્સ્ટેબલ, હુમલાખોરોએ દયા ન બતાવી
આ કમકમાટીભરી ઘટના 27 ડિસેમ્બરના રોજ તામનાર બ્લોકમાં બની હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કોન્સ્ટેબલ જમીન પર પડેલી છે અને હાથ જોડીને હુમલાખોરો પાસે દયાની ભીખ માંગી રહી છે. તે વારંવાર કહી રહી છે, "ભાઈ, ફાડશો નહીં, મેં કોઈને માર્યો નથી, મને જવા દો." આમ છતાં, બે નરાધમો તેના કપડાં ખેંચી રહ્યા છે અને એક શખ્સ સેન્ડલ બતાવી તેને ધમકાવી રહ્યો છે. આ આખી ઘટનાને ત્યાં હાજર લોકો મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા.
શા માટે ફાટી નીકળી હતી હિંસા?
જિંદાલ પાવર લિમિટેડને ફાળવવામાં આવેલા કોલસા બ્લોક માટે યોજાયેલી જાહેર સુનાવણીના વિરોધમાં 14 ગામના લોકો એકઠા થયા હતા. ગ્રામજનોને ભય છે કે ખાણકામને કારણે તેમની આજીવિકા છીનવાઈ જશે અને પર્યાવરણને નુકસાન થશે. આ શાંતિપૂર્ણ વિરોધ અચાનક હિંસક બન્યો હતો, જેમાં પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનો અને એમ્બ્યુલન્સને આગ ચાંપી દીધી હતી. આ પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા.
પોલીસની કાર્યવાહી અને રાજકીય ગરમાવો
બિલાસપુર રેન્જના આઈજી સંજીવ શુક્લાએ જણાવ્યું કે, "ડિજિટલ પુરાવા અને વીડિયોના આધારે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે છેડતી, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો છે." બીજી તરફ, ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસે આ મુદ્દે ભાજપની 'ડબલ એન્જિન' સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, જો મહિલા પોલીસ અધિકારીઓ જ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાનું શું?
સુનાવણી રદ કરવાની પ્રક્રિયા શરૂ
ભારે હિંસા અને જનરોષને જોતા રાયગઢ વહીવટીતંત્રે હાલમાં આ પ્રોજેક્ટ માટેની જાહેર સુનાવણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જોકે, જે રીતે એક મહિલા સુરક્ષાકર્મીની ગરિમાને સરેઆમ લૂંટવાનો પ્રયાસ થયો, તેનાથી પોલીસ બેડામાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગતો:
• સ્થળ: તામનાર બ્લોક, રાયગઢ જિલ્લો.
• આરોપ: મહિલા કોન્સ્ટેબલની છેડતી અને હુમલો.
• ધરપકડ: અત્યાર સુધીમાં બે સ્થાનિક શખ્સો જેલમાં.
• મુદ્દો: ગેરે પેલ્મા સેક્ટર-1 કોલસા બ્લોકનો વિરોધ.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
