<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ઈન્દોર 'ઝેરી' પાણી કાંડમાં મુખ્યમંત્રીનું મોટું એક્શન: નિગમ કમિશનરને નોટિસ, એડિશનલ કમિશનરની હકાલપટ્ટી અને જવાબદાર એન્જિનિયરો બરતરફ

સ્વચ્છતામાં નંબર -1 શહેરમાં દૂષિત પાણીથી 1400 લોકો બીમાર પડતા સીએમ મોહન યાદવ લાલઘુમ: ઉચ્ચસ્તરીય બેઠક બાદ વહીવટી તંત્રમાં મચ્યો ફફડાટ, 'લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ નહીં ચલાવાય'

ઈન્દોર : દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે સર્જાયેલી માનવ સર્જિત ત્રાજદી બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 'હિસાબ' લેવાનું શરૂ કર્યું છે. ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં નળ વાટે આવતા ઝેરી પાણીના કારણે 1400 થી વધુ લોકો બીમાર પડતા અને અનેક દર્દીઓ ICU માં દાખલ થતા જ મુખ્યમંત્રીએ શુક્રવારે સવારે હાઈ-લેવલ મીટિંગ બોલાવી વહીવટીતંત્ર પર કડક 'હન્ટર' ચલાવ્યું છે.
મોટી માછલીઓ પર પડી ગાજ: મુખ્યમંત્રીના નિર્દેશ બાદ ઈન્દોર નગર નિગમ અને PHE (પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ) વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક અસરથી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે:
 ઘોર બેદરકારી બદલ કમિશનરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
એડિશનલ કમિશનર: સીએમએ તત્કાલ પ્રભાવથી એડિશનલ કમિશનરને પદ પરથી હટાવી દીધા છે.
એન્જિનિયરો પર તવાઈ: પાણી પુરવઠાની જવાબદારી સંભાળતા અને ફરજમાં બેદરકાર રહેલા એન્જિનિયરોને સીધા બરતરફ (Dismiss) કરી દેવામાં આવ્યા છે.
નળ વાટે વહેતું થયું 'ઝેર': ઘટનાની વિગતો મુજબ, ઈન્દોરની એક પોલીસ ચોકીના શૌચાલયની પાઈપલાઈન અને પીવાના પાણીની લાઈન ભેગી થઈ જવાથી પાણીમાં ભયાનક ગંદકી ભળી ગઈ હતી. આ દૂષિત પાણી પીવાથી એકસાથે 1400 થી વધુ લોકો ઝાડા-ઉલટી અને ઈન્ફેક્શનનો શિકાર બન્યા હતા, જેમાંથી 32 લોકોની હાલત નાજુક હોવાથી તેઓ ICU માં સારવાર હેઠળ છે.
સ્વચ્છતાના દાવાઓ પર સવાલ: સતત દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવતા ઈન્દોરમાં આવી ગંભીર બેદરકારી સામે આવતા વિપક્ષો પણ આક્રમક બન્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સામાન્ય નાગરિકોના જીવ સાથે જોખમ ખેડનાર કોઈ પણ અધિકારીને બક્ષવામાં આવશે નહીં. તેમણે સમગ્ર શહેરની પાઈપલાઈનોનું તાત્કાલિક ઓડિટ કરવાનો પણ આદેશ આપ્યો છે.
• અસર: 1400 લોકો બીમાર, 32 દર્દીઓ ICU માં.
• કારણ: પીવાના પાણીની લાઈનમાં શૌચાલયની લાઈન ભળી જવી.
• સીએમનો એક્શન: એડિશનલ કમિશનરની છુટ્ટી, એન્જિનિયરો બરતરફ.
• આગામી પગલું: શહેરભરની પાણીની લાઈનોનું સેફ્ટી ઓડિટ

(8:13 PM IST)