<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

જન્મદિવસની ઉજવણીના બીજા જ દિવસે માતમ: ભાજપના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું બેઠક દરમિયાન હાર્ટ એટેકથી નિધન, યુપીના રાજકારણમાં શોકનું મોજું

બરેલી સર્કિટ હાઉસમાં મંત્રી સાથેની મિટિંગમાં જ ઢળી પડ્યા ધારાસભ્ય: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કરતા કહ્યું- 'મેં એક સમર્પિત સાથી ગુમાવ્યો', ફરીદપુરમાં શોકતુર વાતાવરણ

બરેલી : ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ફરીદપુર વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ભાજપ ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું આજે અચાનક હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. સૌથી વધુ કરુણતા એ છે કે, ધારાસભ્યએ ગઈકાલે જ પોતાનો જન્મદિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો અને તેના ૨૪ કલાકમાં જ કાળ તેમને આંબી ગયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉ. શ્યામ બિહારી લાલ બરેલી સર્કિટ હાઉસ ખાતે પશુધન મંત્રી સાથે એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજર હતા. ચર્ચા દરમિયાન તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્યાં હાજર અન્ય નેતાઓ અને કાર્યકરોમાં નાસભાગ મચી ગઈ હતી. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
 મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધારાસભ્યના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર શોક સંદેશ પાઠવતા લખ્યું કે, "ડૉ. શ્યામ બિહારી લાલનું આકસ્મિક નિધન અત્યંત દુઃખદ છે. તેઓ એક કર્મઠ અને જનસેવાને વરેલા નેતા હતા. પ્રભુ શ્રીરામ દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના."
ડૉ. શ્યામ બિહારી લાલ ફરીદપુર બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની સાદગી અને શિક્ષણ પ્રત્યેના પ્રેમને કારણે તેઓ વિસ્તારમાં ખૂબ જ આદરણીય હતા. જન્મદિવસના બીજા જ દિવસે તેમના અવસાનના સમાચાર મળતા જ ફરીદપુરના ગ્રામીણો અને સમર્થકો મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ તેમના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે

(8:27 PM IST)