News of Friday, 2nd January 2026
જોશીમઠમાં આર્મી કેમ્પમાં આગનું તાંડવ: ભીષણ જ્વાળાઓમાં સેનાના અનેક સ્ટોર્સ બળીને ખાખ, ૧૦૦થી વધુ જવાનોએ જીવના જોખમે આગ પર મેળવ્યો કાબૂ
બપોરે ૨ વાગ્યે સર્જાયેલી આકસ્મિક દુર્ઘટનામાં મોટાપાયે નુકસાન: પહાડી પવનોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું, સૈન્ય સાધનો અને રેશનનો જથ્થો બળીને રાખ - કોઈ જાનહાનિ નહીં

જોશીમઠ: દેવભૂમિ ઉત્તરાખંડના જોશીમઠમાં આજે બપોરના સમયે સૈન્ય છાવણીમાં આગ લાગવાની એક અત્યંત ગંભીર ઘટના બની છે. પહાડી વિસ્તારમાં ફૂંકાતા તેજ પવનોને કારણે આગે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે જોતજોતામાં સેનાના અનેક સ્ટોરેજ યુનિટ્સ તેની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની વિગતો મુજબ, શુક્રવારે બપોરે અંદાજે ૨ વાગ્યાની આસપાસ કેમ્પના સ્ટોરેજ એરિયામાં એકાએક આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં એક નાનો તણખો લાગ્યો હતો, પરંતુ જોશીમઠના શુષ્ક હવામાન અને જોરદાર પવનને કારણે આગ સેકન્ડોમાં ફેલાઈ ગઈ હતી. આ સ્ટોર્સમાં સેનાનો મહત્વનો સામાન, શિયાળુ કપડાં અને અન્ય જરૂરી સાધનો રાખવામાં આવ્યા હતા, જે બળીને સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
આગ લાગતાની સાથે જ કેમ્પમાં રહેલા ૧૦૦ થી વધુ સૈનિકો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિને કારણે ફાયર બ્રિગેડની ટીમને પહોંચવામાં વિલંબ થયો હતો, પરંતુ જવાનોએ હિંમત હાર્યા વગર પાણીના ટેન્કરો અને ઉપલબ્ધ સાધનો વડે આગને રહેણાંક વિસ્તાર સુધી ફેલાતી અટકાવી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર આંશિક કાબૂ મેળવી શકાયો હતો.
એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, "સૌથી મોટી રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી. જોકે, મિલકત અને સૈન્ય સરંજામને મોટું નુકસાન થયું છે." સેના દ્વારા આ આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી' (તપાસ) ના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં કૂલિંગ પ્રક્રિયા ચાલી રહી છે
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
