News of Friday, 2nd January 2026
પટણામાં પોલીસ અને ગુનેગારો વચ્ચે મધરાતે લોહિયાળ જંગ: પૂર્વ ધારાસભ્ય રીતલાલ યાદવનો 'જમણો હાથ' મેનેજર રાય એન્કાઉન્ટરમાં ઠાર મરાતા બચ્યો, પગમાં વાગી ગોળી
ખગૌલ વિસ્તારમાં ફિલ્મી ઢબે મુકાબલો: ઘેરાબંધી જોઈ કુખ્યાત ગુનેગારે પોલીસ પર કર્યું ફાયરિંગ, વળતા જવાબમાં ખાખીએ બતાવ્યું અસલી તેવર - પટણા SSP એ આપી પુષ્ટિ

પટણા : બિહારની રાજધાની પટણામાં ગુનેગારો અને પોલીસ વચ્ચે ફરી એકવાર એન્કાઉન્ટરની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. દાનાપુરના ખગૌલ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસે આરજેડીના પૂર્વ ધારાસભ્ય રીતલાલ યાદવના અત્યંત નજીકના ગણાતા અને કુખ્યાત ગુનેગાર મેનેજર રાયને ઘેરી લીધો હતો. બંને પક્ષો વચ્ચે થયેલા આમને-સામને ગોળીબારમાં મેનેજર રાય ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને હાલ પોલીસ સુરક્ષા હેઠળ પટણા AIIMS માં સારવાર માટે ખસેડાયો છે.
પટણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દીદારગંજનો કુખ્યાત ગુનેગાર મેનેજર રાય કોઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવા માટે ખગૌલ વિસ્તારમાં તેના વાહન સાથે પસાર થઈ રહ્યો છે. SSP કાર્તિકેય કુમાર શર્માના નિર્દેશ પર પોલીસે તાત્કાલિક વિસ્તારની નાકાબંધી કરી હતી. પોલીસને જોઈને મેનેજર રાયે હાર માનવાને બદલે પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
પોલીસે પણ આત્મરક્ષણમાં વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં એક ગોળી મેનેજર રાયના પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસે સ્થળ પરથી હથિયારો અને ગેરકાયદેસર સામગ્રી જપ્ત કરી છે. પટણા SSP એ જણાવ્યું કે, "મેનેજર રાય પર હત્યા, ખંડણી અને લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને ૨૦૨૨ ના ચર્ચિત ડૉ. અનવર આલમ હત્યા કેસમાં પોલીસને તેની લાંબા સમયથી તલાશ હતી."
આ એન્કાઉન્ટર બાદ દાનાપુર અને આસપાસના વિસ્તારોમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે મેનેજર રાયના ગુનાહિત નેટવર્ક અને તેના આકાઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પટણામાં કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. મોડી રાત્રે થયેલા આ ગોળીબારથી સ્થાનિક લોકોમાં થોડો સમય ગભરાટ ફેલાયો હતો, પરંતુ સ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
