News of Friday, 2nd January 2026
ભારતીય અર્થતંત્ર માટે રાહતના સમાચાર: ૨૦૨૫માં મોંઘવારીના રાક્ષસ પર મળી જીત, ઓક્ટોબરમાં ફુગાવો ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો
મોંઘવારી ઘટતા જનતાને ડબલ ફાયદો: RBI એ વ્યાજદરમાં કર્યો ઘટાડો, રેપો રેટ ઘટીને ૫.૨૫% થતા હોમ લોન અને કાર લોન સસ્તી થવાની આશા - જુઓ ૨૦૨૫ નું રિપોર્ટ કાર્ડ

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૫ ભારત માટે આર્થિક મોરચે ખૂબ જ સકારાત્મક રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ, વિતેલા વર્ષ દરમિયાન દેશમાં ફુગાવાનું પ્રમાણ અપેક્ષા કરતા ઘણું નીચું રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતાને મોંઘવારીના મારથી મોટી રાહત મળી છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) અને જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) બંનેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
જાન્યુઆરીથી ડિસેમ્બર: મોંઘવારીમાં સતત ગાબડું
વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી ૨૦૨૫માં CPI ફુગાવો ૪.૨૬ ટકા હતો, જે ધીમે ધીમે ઘટતો રહ્યો હતો. જૂન મહિના સુધીમાં તે ૨.૧ ટકા પર આવી ગયો હતો, જે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ૪ ટકાના લક્ષ્યાંક કરતા પણ ઓછો હતો. આશ્ચર્યજનક રીતે, ઓક્ટોબર મહિનામાં ફુગાવો ૦.૨૫ ટકાના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો, જે ભાવ સ્થિરતાનો મજબૂત સંકેત આપે છે. જોકે, નવેમ્બરમાં તે નજીવો વધીને ૦.૭૧ ટકા નોંધાયો હતો.
RBI એ આપ્યો નવો વર્ષનો 'ઉપહાર'
મોંઘવારીમાં થયેલા આ ઘટાડાને જોતા રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ફુગાવાનું અનુમાન ૨.૬ ટકાથી ઘટાડીને ૨ ટકા કરી દીધું છે. આ અનુકૂળ પરિસ્થિતિનો લાભ સામાન્ય લોકોને આપવા માટે RBI એ ડિસેમ્બર મહિનામાં પોલિસી રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. હવે રેપો રેટ ૫.૨૫ ટકા થઈ ગયો છે, જેનો સીધો અર્થ એ છે કે આગામી દિવસોમાં બેંકો લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે.
જથ્થાબંધ મોંઘવારીમાં પણ કડાકો
માત્ર છૂટક જ નહીં, પરંતુ જથ્થાબંધ બજારમાં પણ ભાવ દબાણ ઘટ્યું છે. WPI ફુગાવો જાન્યુઆરીમાં ૨.૩૧ ટકા હતો, જે નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ઘટીને માઈનસ ૦.૩૨ ટકા થઈ ગયો હતો. ઉત્પાદન ખર્ચમાં થયેલો આ ઘટાડો આગામી સમયમાં ચીજવસ્તુઓના ભાવને વધુ સ્થિર રાખવામાં મદદરૂપ થશે. નિષ્ણાતોના મતે, આ પૃષ્ઠભૂમિ પર ભારતની આર્થિક વૃદ્ધિને નવી ગતિ મળશે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
