<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

૨૦૪૭ સુધીમાં ૧૩ થી ૧૫ લાખની થઈ જશે માથાદીઠ આવક

જો આ ગતિ જળવાઈ રહેશે તો ભારત આર્થિક શક્‍તિના એક નવા યુગમાં પ્રવેશ કરશે

 

નવી દિલ્‍હી તા.૩: આજે જે ભારત એક ઉભરતી અર્થવ્‍યવસ્‍થા તરીકે ઓળખાઈ રહ્યું છે, તે જ ભારત ૨૦૪૭ સુધીમાં આર્થિક શક્‍તિનું નવું ઉદાહરણ બનવા જઈ રહ્યું છે. ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની ગયું છે. આ સફળતા એટલા માટે મળી કારણ કે દેશમાં એવા આર્થિક નિર્ણયો લેવામાં આવ્‍યા જેનાથી બજારને મોકળાશ મળી, વેપાર વધ્‍યો અને ખાનગી રોકાણને આગળ આવવાની તક મળી. પરંતુ આગામી વર્ષોમાં દેશની કમાણી, લોકોની આવક અને જીવનધોરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

જો ભારતીય અર્થવ્‍યવસ્‍થા આગામી બે દાયકા સુધી સરેરાશ ૬ ટકાની ગતિએ આગળ વધે છે, તો નાણાકીય વર્ષ ૨૦૪૭-૪૮ સુધીમાં દેશની માથાદીઠ આવક લગભગ ૧૫,૦૦૦ ડોલર સુધી પહોંચી શકે છે. જો આ રકમને ભારતીય રૂપિયામાં જોઈએ તો તે વાર્ષિક અંદાજે ૧૩ થી ૧૫ લાખ રૂપિયાની આસપાસ થાય છે. હાલના સમયમાં માથાદીઠ આવક લગભગ ૨.૫ લાખ રૂપિયા છે, એટલે કે, આગામી વર્ષોમાં તેમાં અંદાજે ૬ ગણો વધારો થવાનો અંદાજ છે.

રેટિગ એજન્‍સી ર્અન્‍સ્‍ટ એન્‍ડ યંગ (EY)ના રિપોર્ટ અનુસાર, ભારતની કુલ જીડીપી ૨૦૪૭-૪૮ સુધીમાં વધીને ૨૬ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. હાલ દેશની GDP લગભગ ૪.૧૮ ટ્રિલિયન ડોલરની આસપાસ છે. આનો અર્થ એ છે કે આગામી ૨૧-૨૨ વર્ષોમાં ભારતીય અર્થવ્‍યવસ્‍થાનું કદ અનેકગણું વધી શકે છે. આ વૃદ્ધિ ભારતને દુનિયાની સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થાઓની હરોળમાં વધુ મજબૂતીથી ઊભું કરી દેશે.

EYના રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્‍યું છે કે, ભારત ૨૦૩૦ સુધીમાં અમેરિકા અને ચીન પછી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની શકે છે. આવી સ્‍થિતિમાં જાપાન અને જર્મની જેવી મજબૂત અર્થવ્‍યવસ્‍થાઓને પાછળ છોડી દેવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે.

ભારતની આર્થિક મજબૂતી પાછળ ઘણા મોટા કારણો છે, જેમ કે દેશની યુવા વસ્‍તી, ઝડપથી વધતી ડિજિટલ ઈકોનોમી, મજબૂત સ્‍ટાર્ટઅપ સિસ્‍ટમ, મેન્‍યુફેક્‍ચરિગ સેક્‍ટરમાં થઈ રહેલો વિસ્‍તાર, ગ્રીન એનર્જી પર વધતું ફોકસ વગેરે. આ ઉપરાંત આર્થિક ઉદારીકરણની નીતિઓ અને ખાનગી રોકાણમાં પ્રોત્‍સાહન આપ્‍યું છે અને ભારતને વૈશ્વિક બજારમાં વધુ સ્‍પર્ધાત્‍મક બનાવ્‍યું છે.

જ્‍યારે માથાદીઠ આવક વધશે, ત્‍યારે તેની સીધી અસર સામાન્‍ય લોકોના જીવન પર પડશે. વધુ સારી આવકને કારણે શિક્ષણ, આરોગ્‍ય, આવાસ અને સુવિધાઓ પર ખર્ચ વધશે. સાથે જ રોજગારીની નવી તકો ઊભી થશે અને જીવનધોરણમાં મોટો સુધારો જોવા મળી શકે છે.(૩૮.૩)

(10:10 AM IST)