<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

આઈટીસી વધુ ક્‍લેઈમ કરનાર વેપારી જીએસટી ૩બી રિટર્ન નહીં ભરી શકે

જીએસટી પોર્ટલ પર આઇટીસી રિવર્સ માટે નવા નિયમો અમલમાં

 

 

મુંબઈ,તા.૦૩: જીએસટી રિટર્ન ભરતા પહેલા કેટલાક વેપારીઓ વધુ આઇટીસી લેતા હોય છે, પરંતુ હવે તે ભૂતકાળ બનવાનું છે, કારણ કે જીએસટી પોર્ટલ પર નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં વધુ આઇટીસી લેનાર જ્‍યાં સુધી વધારાની આઇટીસી રિવર્સ નહીં કરે ત્‍યાં સુધી જીએસટી ૩બી રિટર્ન ભરી શકશે નહીં તેવો નિયમ લાગુ કરી દેવામાં આવ્‍યો છે. તેમજ તે માટેની કાર્યવાહી પણ પોર્ટલ પર કાર્યરત કરી દેવામાં આવી છે.

વેપારી દ્વારા સમગ્ર મહિના દરમિયાન જે પણ ખરીદ વેચાણ કર્યાના બિલ પોર્ટલ પર અપલોડ કરશે તેના આધારે આઇટીસી કેટલા રૂપિયા લેવાની થાય છે તે પણ પોર્ટલ પર દર્શાવવામાં આવશે. તેમ છતાં કોઈ વેપારી વધુ આઇટીસી ક્‍લેઈમ કરે તો સૌથી પહેલા પોર્ટલ દ્વારા વેપારીને તેની જાણ કરવામાં આવશે કે તમે કેટલા રકમની આઇટીસી ખોટી રીતે લીધી છે. જેથી તે આઇટીસી પરત કરવા માટે પણ તાકીદ કરશે. પરંતુ વેપારી દ્વારા વધારાની આઇટીસી લઈને વાપરી નાંખવામાં આવી હશે તો વેપારી જીએસટી ૩બી રિટર્ન ભરી શકશે નહીં. તે માટેની સુવિધા પોર્ટલ પર કાર્યરત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓને આઇટીસી વધુ નહીં લે તે માટે પોર્ટલ પર જ આઇટીસીની વિગતો પણ જાહેર કરી દેવામાં આવશે. આ કારણોસર વેપારી વધારાની આઇટીસી નહીં લે તેવી પણ સુવિધા પોર્ટલ પર કાર્યરત કરી દેવામાં આવી છે.

આ માટે વેપારીઓને તકલીફ નહીં પડે તેવી પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે. જીએસટી લાગુ થયા બાદ મોટાભાગના વેપારીઓ અત્‍યાર સુધી વધુ આઇટીસી લેતા હતા, પરંતુ ત્‍યારબાદ એકાદ બે રિટર્નમાં તે રકમ સરભર કરી દેતા હતા. જોકે વધુ આઈટીસી લેનારા વેપારીઓને અગાઉ વ્‍યાજ અને દંડ ભરવા માટે નોટિસ પણ ફટકારી હતી, પરંતુ હવેથી ૩બી રિટર્ન જ ભરી નહીં શકે તેવો નિયમ અમલમાં મૂકી દેવામાં આવ્‍યો છે.(૪૦.૮)

(10:36 AM IST)