News of Saturday, 3rd January 2026
અશ્લીલ કન્ટેંટ હટાવો રિપોર્ટ સોંપોઃ Xને કડક નિર્દેશ
IT મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને પત્ર લખી, Grok AIના દુરુપયોગ અંગે કાર્યવાહી કરવા કહ્યું

નવી દિલ્હી,તા.૦૩: ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) એ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, ૨૦૦૦ અને માહિતી પ્રૌદ્યોગિકી નિયમો, ૨૦૨૧ હેઠળ કાયદેસર યોગ્ય સાવચેતીના ફરજિયાત નિયમોનું પાલન ન કરવાના મામલે X Corp (Twitter) ને કડક નોટિસ આપી છે. સરકારે X Corp ને ૭૨ કલાકની અંદર એક્શન ટેકન રિપોર્ટ (ATR) મોકલવાનો આદેશ આપ્યો છે, જેમાં તેઓએ કયા પગલાં લીધા, મુખ્ય અનુપાલન અધિકારીની ભૂમિકા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), ૨૦૨૩ હેઠળ ફરજિયાત રિપોર્ટિગનું પાલન કેવી રીતે કર્યું તેની વિગત આપવી પડશે.
IT મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને પત્ર લખી, Grok AI નો દુરુપયોગ અંગે કાર્યવાહી કરવા કહ્યું છે. જે યુઝર્સે Grok AI નો ઉપયોગ કરીને મહિલાઓના અશ્લીલ અથવા અભદ્ર ફોટો અને કન્ટેન્ટ પોસ્ટ કર્યો છે, તેમના પર કાર્યવાહી કરવા માટે કહ્યું છે. ૭૨ કલાકની અંદર આવા તમામ કન્ટેન્ટ દૂર કરવા અને કઈ કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી મંત્રાલયને આપવી પડશે. જો X દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરકાર કડક પગલાં લેશે.
પ્રિયંકા ચતુર્વેદીએ IT મંત્રાલયને પત્ર લખ્યો હતો
મંત્રાલયે એવી રિપોર્ટ્સ પર ગંભીર ચિતા વ્યક્ત કરી છે કે X ની AI સર્વિસ Grok નો દુરુપયોગ કરીને મહિલાઓને ટાર્ગેટ કરીને અશ્લીલ, અભદ્ર અને યૌન રીતે સ્પષ્ટ કન્ટેન્ટ બનાવવામાં અને શેર કરવામાં આવી રહી છે. પત્રમાં જણાવાયું છે કે યુઝર્સે Grokની AI ક્ષમતાનો દુરુપયોગ કરીને અપમાનજનક રીતે કૃત્રિમ ફોટો અને વીડિયો બનાવ્યા છે, જેના કારણે વ્યક્તિગત ગોપનીયતા અને માનવ ગૌરવનું ઉલ્લંઘન થયું છે. MeitY એ ચેતવણી આપી છે કે આવા કૃત્યોથી યૌન સતામણી સામાન્ય બની જાય છે અને કાનૂની સુરક્ષા પગલાંઓને નબળા પાડે છે.(૪૦.૩)
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
