<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ભારતના આંતરિક મામલામાં અમેરિકાની ફરી દખલ?

દિલ્‍હી રમખાણોના આરોપી ઉમર ખાલિદના સમર્થનમાં આવ્‍યા ન્‍યૂયોર્કના મેયરઃ ભાજપ લાલઘૂમ, કહ્યું- ‘તમે ન્‍યૂયોર્ક સંભાળો, ભારતની ચિંતા છોડો'

નવી દિલ્‍હી/ન્‍યૂયોર્ક તા.૩: ભારત અને અમેરિકા વચ્‍ચેના સંબંધોમાં ફરી એકવાર ખટાશ આવે તેવી ઘટના બની છે. ન્‍યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ દિલ્‍હી રમખાણોના કાવતરાના આરોપી અને છેલ્‍લા પાંચ વર્ષથી જેલમાં બંધ જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને સમર્થન આપતો પત્ર લખતા ભારતીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આ ઘટનાને ભારતના આંતરિક મામલામાં સીધી દખલગીરી ગણાવીને આકરો વિરોધ નોંધાવ્‍યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ડિસેમ્‍બર ૨૦૨૫માં ઉમર ખાલિદના માતા-પિતા અમેરિકાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન ન્‍યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ તેમને એક હાથથી લખેલી ચિઠ્ઠી (હેન્‍ડ રિટન નોટ) આપી હતી. આ ચિઠ્ઠીમાં મમદાનીએ ઉમર ખાલિદને ઉદ્દેશીને લખ્‍યું હતું કે, ‘‘અમે બધા તમારા વિશે વિચારી રહ્યા છીએ., તમારી ચિતા કરી રહ્યા છીએ.' સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાં જ વિવાદ વકર્યો છે.

ઉલ્‍લેખનીય છે કે ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્‍હીમાં થયેલા કોમી રમખાણોના કેસમાં યુએપીએ (ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાયત ધારો) હેઠળ ઉમર ખાલિદની ધરપકડ કરાઈ હતી અને તે છેલ્‍લા ૫ વર્ષથી જેલમાં છે.

આ પત્ર સામે આવતા જ ભાજપના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપના ધારાસભ્‍ય અને નેતા રાજેશ્વર સિહે સોશિયલ મીડિયા પર ઝોહરાન મમદાનીની ઝાટકણી કાઢતા લખ્‍યું છે કે, ‘‘ન્‍યૂયોર્કના મેયરે ન્‍યૂયોર્ક ચલાવવું જોઈએ, ભારતના આંતરિક મામલામાં દખલગીરી કરવી જોઈએ નહીં.'' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે વ્‍યક્‍તિ (ઉમર ખાલિદ) ગંભીર આરોપો હેઠળ જેલમાં છે તેનો બચાવ કરવો એ કોઈ ન્‍યાય નથી પરંતુ રાજકીય દેખાડો છે. આપણે સાર્વભૌમત્‍વનું સન્‍માન કરવું જોઈએ.

આ પહેલીવાર નથી જ્‍યારે કોઈ અમેરિકન નેતાએ ભારતના કાયદાકીય મામલામાં ટિપ્‍પણી કરી હોય. અગાઉ આઠ જેટલા અમેરિકન કોંગ્રેસમેનોએ પણ ભારત સરકારને પત્ર લખીને ખુલાસા માંગ્‍યા હતા. રાજકીય વિશ્‍લેષકો માને છે કે ઝોહરાન મમદાની દ્વારા ઉમર ખાલિદને સમર્થન આપવું એ એક સ્‍પષ્ટ વૈચારિક અને રાજકીય હસ્‍તક્ષેપ છે. ભાજપે સ્‍પષ્ટ શબ્‍દોમાં ચેતવણી આપી છે કે ભારત તેની આંતરિક સુરક્ષા અને ન્‍યાયિક પ્રક્રિયામાં કોઈ પણ વિદેશી દખલગીરી સાંખી લેશે નહીં.

ઝોહરાન મમદાની અમેરિકાના રાજકારણમાં એક જાણીતું નામ છે અને ભારતીય મૂળના સમુદાય સાથે પણ સંકળાયેલા છે. જોકે, તેમનું તાજેતરનું પગલું અને ભૂતકાળમાં રામઝી કાસેમ (જેમણે અલ-કાયદાના કેદીઓનો બચાવ કર્યો હતો) જેવા લોકો સાથેના જોડાણોને લઈને તેઓ ભાજપના નિશાના પર આવ્‍યા છે. તેમના આ પત્રને ‘વોટબેંક પોલિટિક્‍સ' અને ભારત વિરોધી એજન્‍ડા તરીકે જોવામાં આવી રહ્યો છે.

(10:58 AM IST)