હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનએ દેશભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓને લાલ આંખ કરતા સ્પષ્ટ કર્યું છે કે હવે કેમ્પસમાં રેગિંગની એક પણ ઘટના સહન કરવામાં આવશે નહીં. તાજેતરમાં ધર્મશાળાની સરકારી કોલેજમાં એક વિદ્યાર્થીના શંકાસ્પદ અને દુઃખદ અવસાન બાદ જાગેલી એન્ટી-રેગિંગ હેલ્પલાઇને આ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું છે. UGCએ ચેતવણી આપી છે કે જો કોઈ સંસ્થા રેગિંગ રોકવામાં નિષ્ફળ જશે, તો તેની સામે માત્ર તપાસ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય રેગિંગ વિરોધી દેખરેખ સમિતિ સમક્ષ સત્તાધિકારીઓએ હાજર થઈને આકરા સવાલોના જવાબ આપવા પડશે. સુપ્રીમ કોર્ટના આદેશોને ટાંકીને UGCએ સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં આત્મહત્યા કે ઉત્પીડનનો કોઈપણ કેસ અત્યંત ગંભીર ગુનો ગણાશે.
નવા નિર્દેશો મુજબ, હવે દરેક કોલેજ માટે એન્ટી-રેગિંગ સ્ક્વોડ, સ્પેશિયલ સેલ અને સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવું ફરજિયાત છે. સંસ્થાઓએ માત્ર કાગળ પર સમિતિઓ બનાવીને સંતોષ માનવાને બદલે કેમ્પસના ખૂણેખૂણે નજર રાખવી પડશે. આ ઉપરાંત, દરેક વિદ્યાર્થી અને વાલી પાસેથી ઓનલાઈન બાંયધરી લેવી પડશે કે તેઓ આવી પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં. UGCએ ખાસ કરીને મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો માટે અલગ તપાસ સમિતિઓ રચવાની સૂચના આપી છે, કારણ કે આ ક્ષેત્રોમાં રેગિંગના કિસ્સાઓ વધુ જોવા મળતા હોય છે. જો તપાસમાં સાબિત થશે કે કોલેજે જાણીજોઈને ફરિયાદ છુપાવી છે, તો તે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.
વિદ્યાર્થીઓની સુરક્ષા માટે UGCએ 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે, જે અંતર્ગત દરેક સંસ્થાએ નોડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે અને નિયમિતપણે રેગિંગ વિરોધી વર્કશોપનું આયોજન કરવું પડશે. હેલ્પલાઇન નંબર અને ઈમેલ એડ્રેસ દરેક નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવાના રહેશે જેથી પીડિત વિદ્યાર્થી કોઈપણ ડર વગર ફરિયાદ કરી શકે. UGCનું માનવું છે કે રેગિંગ એ માત્ર શિસ્તનો ભંગ નથી પરંતુ વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય પર જીવલેણ હુમલો છે. હવેથી, જો કોઈ પણ ગુનેગાર પકડાશે તો તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ જેલના સળિયા પાછળ મોકલવાની કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM