News of Saturday, 3rd January 2026
મોદી સરકારના નવા કાયદા સામે કોંગ્રેસનું 'મહાભારત': ૧૦ જાન્યુઆરીથી દેશભરમાં ગુંજશે 'મનરેગા બચાવો'ના નારા
ગ્રામીણ ભારતના આજીવિકાના આધાર સમાન મનરેગા કાયદામાં ફેરફાર અને તેમાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવાના કેન્દ્રના નિર્ણય સામે સોનિયા-રાહુલની સેનાએ આરપારની લડાઈનું એલાન કર્યું

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત 'વિકસિત ભારત-જી રામ જી' કાયદાને ગ્રામીણ ગરીબોના અધિકારો પર 'ડેથ વોરંટ' ગણાવીને ૧૦ જાન્યુઆરીથી રાષ્ટ્રવ્યાપી જંગની જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે તમામ પ્રદેશ સમિતિઓને આદેશ આપ્યો છે કે મનરેગાના અસ્તિત્વને બચાવવા માટે રસ્તા પર ઉતરી આવે. પક્ષનો આરોપ છે કે નવો કાયદો ગ્રામીણ પરિવારો પાસેથી કામ મેળવવાનો કાનૂની અધિકાર છીનવી લેશે અને પંચાયતોની સત્તા ઘટાડીને બધું જ કેન્દ્રિય કરી દેશે. ખાસ કરીને મહિલાઓ, જેઓ આ યોજનામાં ૬૦ ટકા હિસ્સો ધરાવે છે, તેમના આર્થિક સ્વાતંત્ર્ય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો હોવાનું કોંગ્રેસે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે.
આ આંદોલન માત્ર ધરણાં પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તેને તબક્કાવાર રીતે અત્યંત આક્રમક બનાવવામાં આવ્યું છે. ૧૦ જાન્યુઆરીએ તમામ જિલ્લાઓમાં ગર્જના કર્યા બાદ, ૧૧ જાન્યુઆરીએ નેતાઓ અને મનરેગા કામદારો એક દિવસીય ઉપવાસ પર ઉતરશે. જાન્યુઆરીના અંત સુધીમાં ગામડાઓની ચોપાલ અને ગલી-મહોલ્લામાં જનસંપર્ક કરીને સરકારની 'ગરીબ વિરોધી' નીતિઓનો પર્દાફાશ કરવામાં આવશે. ૩૦ જાન્યુઆરીએ જ્યારે દેશ બાપુને યાદ કરતો હશે, ત્યારે કોંગ્રેસ બ્લોક સ્તરે શાંતિપૂર્ણ વિરોધ કરીને યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવાના નિર્ણયનો વિરોધ કરશે, જેને પક્ષે ગ્રામ સ્વરાજના મૂલ્યોનું અપમાન ગણાવ્યું છે.
અભિયાનનો અસલી ક્લાઈમેક્સ ફેબ્રુઆરી મહિનામાં જોવા મળશે, જ્યારે ૭ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન તમામ રાજ્યોમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. આ જંગના અંતિમ તબક્કામાં એઆઈસીસી દ્વારા દેશના ચાર અલગ-અલગ વિસ્તારોમાં વિશાળ પ્રાદેશિક રેલીઓનું આયોજન કરવામાં આવશે, જે ૨૦૨૬ના વર્ષની સૌથી મોટી રાજકીય હિલચાલ સાબિત થઈ શકે છે. કોંગ્રેસનો દાવો છે કે કેન્દ્ર સરકાર વેતન યોગદાન ૯૦ ટકાથી ઘટાડીને ૬૦ ટકા કરીને રાજ્યો પર બોજ નાખવા માંગે છે, જેનાથી અંતે ગરીબ કામદારોના વેતનમાં કાપ આવશે. હવે જોવાનું એ રહેશે કે આ આંદોલન ગ્રામીણ મતદારોને પોતાની તરફ ખેંચવામાં કેટલું સફળ રહે છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
