<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસનું 'લોકડાઉન': ૭૨ ફ્લાઈટ્સ રદ થતા હજારો મુસાફરો રઝળ્યા, રનવે પર 'ઝીરો વિઝિબિલિટી'એ વિમાનોના પૈડાં થંભાવ્યા!

ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડતા મુસાફરોએ એરપોર્ટના ફ્લોર પર રાત વિતાવવી પડી અને એરલાઇન્સની બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કુદરતનો પ્રકોપ અને પ્રદૂષણના મિશ્રણથી સર્જાયેલા ગાઢ ધુમ્મસે હવાઈ માર્ગો પર બ્રેક મારી દીધી છે. શનિવારે આઈજીઆઈ એરપોર્ટ પર દ્રશ્યતા (વિઝિબિલિટી) શૂન્ય મીટર સુધી પહોંચી જતાં સુરક્ષાના કારણોસર કુલ ૭૨ ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી. સવારના ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો સમય મુસાફરો માટે દુઃસ્વપ્ન સમાન રહ્યો હતો, કારણ કે રનવે પર કંઈ જ દેખાતું ન હોવાને કારણે ૩૪ ફ્લાઈટ્સ લેન્ડ થઈ શકી નહોતી અને ૩૮ વિમાનો ઉડાન ભરી શક્યા નહોતા. એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોની એટલી ભીડ જામી હતી કે જાણે કોઈ રેલવે સ્ટેશન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ધુમ્મસની આ ગંભીર અસરને કારણે ૪૦૦ થી વધુ ફ્લાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતા ઘણી મોડી પડી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે ચાર વિમાનોને તો હવામાં ચક્કર લગાવ્યા બાદ સુરક્ષિત લેન્ડિંગ માટે જયપુર અને લખનૌ તરફ ડાયવર્ટ કરવા પડ્યા હતા. બપોરે ૧૨ વાગ્યા પછી સૂર્યપ્રકાશના આગમન સાથે ધુમ્મસની પકડ થોડી ઢીલી પડી અને CAT-III નેવિગેશન સિસ્ટમની મદદથી ફ્લાઈટ્સ ધીમે ધીમે શરૂ થઈ, પરંતુ ત્યાં સુધીમાં હજારો મુસાફરોનું શિડ્યુલ ખોરવાઈ ચૂક્યું હતું. એરપોર્ટ પર ફસાયેલા લોકોમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની ગઈ હતી.

એરપોર્ટના ટર્મિનલ પર મુસાફરો અને એરલાઇન્સ સ્ટાફ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઇન્ડિગો જેવી મોટી એરલાઇન્સના કાઉન્ટર પર મુસાફરોએ હોબાળો મચાવતા આક્ષેપ કર્યો હતો કે ફ્લાઈટ રદ થવા અંગે કોઈ પણ અગાઉથી સૂચના આપવામાં આવી નહોતી. ઘણા મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહ્યા બાદ ખબર પડી કે તેમની ફ્લાઈટ હવે ઉપડવાની જ નથી. સોશિયલ મીડિયા પર પણ લોકોએ એરલાઇન્સની કુશળતા પર સવાલો ઉઠાવ્યા હતા. હવામાન વિભાગના મતે આગામી થોડા દિવસો સુધી આ સ્થિતિ યથાવત રહી શકે છે, જે પ્રવાસીઓ માટે ચિંતાનો વિષય છે.

(8:12 PM IST)