<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ચૂંટણી પ્રક્રિયામાં ડિજિટલ ક્રાંતિ: હવે 40 અલગ-અલગ એપ્સના બદલે માત્ર 'ECINet' ચાલશે, ચૂંટણી પંચે જનતા પાસે મંગાવ્યા સૂચનો

વોટર હેલ્પલાઇનથી લઈ ઉમેદવારની જાણકારી સુધી બધું જ એક ક્લિક પર; 10 જાન્યુઆરી સુધી નાગરિકો આપી શકશે પોતાના પ્રતિભાવ

નવી દિલ્હી : ભારતીય ચૂંટણી પંચ હવે વધુ આધુનિક અને યુઝર-ફ્રેન્ડલી બનવા તરફ ડગ માંડી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ પહેલ કરતા પંચે 'ECINet' નામની એકીકૃત એપ તૈયાર કરી છે. આ એપની ખાસિયત એ છે કે તે અગાઉની 40 જેટલી વિખરાયેલી એપ્લિકેશનો જેવી કે cVIGIL, સક્ષમ, અને વોટર હેલ્પલાઇનને એક જ પ્લેટફોર્મ પર લાવશે. હવે નાગરિકોએ અલગ-અલગ કામ માટે અલગ-અલગ એપ ડાઉનલોડ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
જનતાના સૂચનોથી એપ બનશે વધુ સ્માર્ટ
ચૂંટણી પંચે લોકશાહીના સાચા પ્રહરી એવા નાગરિકોને આ એપ ડાઉનલોડ કરવા અને તેમાં રહેલા 'સૂચન સબમિટ કરો' (Submit Suggestion) ટેબ દ્વારા પોતાના મંતવ્યો આપવા આમંત્રણ આપ્યું છે. જો તમે ઇચ્છતા હોવ કે એપમાં કોઈ ફેરફાર થાય અથવા કોઈ નવી સુવિધા ઉમેરાય, તો તમે 10 જાન્યુઆરી સુધીમાં તમારા સૂચનો મોકલી શકો છો. પંચ આ સૂચનોની તપાસ કરી એપને વધુ સરળ અને લોકભોગ્ય બનાવશે.
બિહાર ચૂંટણીમાં સફળ પરીક્ષણ
આ એપ માત્ર કાગળ પર નથી, પરંતુ તેનું સફળ પરીક્ષણ પણ થઈ ચૂક્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2025 અને તાજેતરની પેટાચૂંટણીઓ દરમિયાન ECINet નો ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. આ એપ દ્વારા મતદાનના વલણોની ઝડપી વિગતો અને મતદાન પૂર્ણ થયાના માત્ર 72 કલાકમાં ઇન્ડેક્સ કાર્ડ્સ ઉપલબ્ધ કરાવવામાં સફળતા મળી છે.
ચૂંટણી અધિકારીઓ માટે પણ વરદાન
માત્ર મતદારો જ નહીં, પણ મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) માટે પણ આ પ્લેટફોર્મ આશીર્વાદરૂપ સાબિત થશે. ફિલ્ડ ઓફિસર્સના પ્રતિસાદને આધારે સિસ્ટમને સતત અપડેટ કરવામાં આવી રહી છે. આ મહિને જ ECINet એપને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે, જે આગામી ચૂંટણીઓમાં પારદર્શિતા અને ઝડપ લાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે.

(8:58 PM IST)