<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

દિલ્હી એરપોર્ટ પર ગેરકાયદે ઇમિગ્રેશન માફિયાઓનો સફાયો: વર્ષ 2025માં વિઝા-પાસપોર્ટ ફ્રોડના કેસમાં 130 એજન્ટો અને છેતરપિંડી કરનારા જેલભેગા

IGI એરપોર્ટ પોલીસની મેગા સ્ટ્રાઇક: 140 લુકઆઉટ નોટિસ અને દાયકાઓથી ફરાર 119 રીઢા ગુનેગારો પણ ઝડપાયા, નાણાકીય લેવડદેવડ પર કડક તપાસ શરૂ

નવી દિલ્હી : દેશના સૌથી વ્યસ્ત એવા દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ ગત વર્ષે ગુનેગારો સામે જંગ છેડ્યો હોય તેવા પરિણામો સામે આવ્યા છે. દિલ્હી પોલીસના IGI એરપોર્ટ યુનિટે વર્ષ 2025 દરમિયાન વિઝા અને પાસપોર્ટ છેતરપિંડીના નેટવર્કને તોડવામાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) વિચિત્ર વીરે આંકડા જાહેર કરતા જણાવ્યું કે, દેશના ખૂણેખૂણેથી 130 જેટલા ઠગ ટ્રાવેલ એજન્ટો અને ગેરકાયદેસર ઇમિગ્રેશનના માસ્ટરમાઇન્ડ્સની ધરપકડ કરવામાં આવી છે.
નાણાકીય છેડા અને મની ટ્રેઇલ પર નજર
આ વખતે પોલીસ માત્ર ધરપકડ સુધી મર્યાદિત નથી રહી. તપાસ અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે છેતરપિંડી માટે લેવામાં આવેલા લાખો રૂપિયાના વ્યવહારો ક્યાં અને કેવી રીતે થયા તેની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. આ નાણાકીય તપાસ દ્વારા વિદેશ મોકલવાના નામે ચાલતા મોટા રેકેટના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ફરાર ગુનેગારો માટે આફત બની પોલીસ
વર્ષ 2025માં વિદેશ ભાગી જવાની ફિરાકમાં રહેલા અપરાધીઓને રોકવા માટે પોલીસે આક્રમક અભિગમ અપનાવ્યો હતો. રેકોર્ડબ્રેક 140 લુકઆઉટ પરિપત્રો (LOC) જારી કરીને અનેક ગુનેગારોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. એટલું જ નહીં, દાયકાઓથી પોલીસને હાથતાળી આપી રહેલા 119 જાહેર કરાયેલા ગુનેગારોને પણ દબોચી લેવામાં આવ્યા છે, જે એરપોર્ટ યુનિટની મોટી સિદ્ધિ ગણાય છે.
ચોરી અને ટાઉટ્સ પર પણ લગામ
એરપોર્ટ પર મુસાફરોને પરેશાન કરતા ટાઉટ્સ (વચેટીયાઓ) અને સામાનની ચોરી કરનારાઓ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે.
•    ટાઉટિંગ: 400 થી વધુ વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા.
•    ચોરી: કાર્ગો અને સામાનની ચોરીમાં સામેલ 60 થી વધુ શખ્સોની ધરપકડ.
દિલ્હી પોલીસના આ કડક વલણથી હવે IGI એરપોર્ટ પર ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મુસાફરોની સુરક્ષા અને કાયદાનું પાલન કરાવવા માટે એરપોર્ટ યુનિટ આગામી સમયમાં વધુ સતર્ક રહેવા કટિબદ્ધ છે.

(8:59 PM IST)