હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: બાગપતમાં 'સિગારેટ બાબા'નો અજીબોગરીબ દરબાર, બીમારીઓ ભગાડવા ભક્તોના મોઢા પર મારે છે ધુમાડાના ગોટા
મેડિકલ સાયન્સને પડકારતો ઢોંગી બાબા: મગફળી વેચનાર શખ્સ હવે 'ધુમ્રપાન' દ્વારા કરે છે રોગમુક્તિનો દાવો, ભક્તો પ્રસાદમાં ધરે છે સિગારેટના પેકેટ

લખનૌ : બોલિવૂડની જૂની ફિલ્મનું ગીત છે કે, 'હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા...', પરંતુ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના એક 'બાબા'એ આ ગીતને ગંભીરતાથી લઈ લીધું છે. અહીંના દોઘાટ વિસ્તારમાં એક શખ્સ પોતાની પાસે આવતા દુઃખિયાઓના ચહેરા પર સિગારેટનો ધુમાડો ફૂંકીને તેમની તમામ સમસ્યાઓ અને બીમારીઓ દૂર કરવાનો દાવો કરી રહ્યો છે. આ વિચિત્ર પદ્ધતિને કારણે તે સમગ્ર વિસ્તારમાં 'સિગારેટ બાબા' તરીકે કુખ્યાત બન્યો છે.
પૈસા અને સ્લિપની સુવ્યવસ્થિત દુકાન
આ કોઈ સામાન્ય દરબાર નથી, પણ કમાણીનું પદ્ધતિસરનું સાધન છે. અહેવાલો મુજબ, બાબા પાસે સારવાર લેવા માટે લોકોએ 100 થી 500 રૂપિયાની સ્લિપ કઢાવવી પડે છે. જ્યારે ભક્તનો નંબર આવે, ત્યારે લાઉડસ્પીકર પર સંગીત ગુંજી ઉઠે છે અને બાબા સિગારેટના જોરદાર કશ ખેંચીને સામે બેઠેલા વ્યક્તિના ચહેરા પર સીધો ધુમાડો છોડે છે. ભક્તો પણ એટલા અંધશ્રદ્ધામાં ડૂબેલા છે કે તેઓ બાબાને ફૂલ-હારને બદલે સિગારેટના પેકેટ 'પ્રસાદ' તરીકે ચઢાવે છે.
મગફળી વેચનારથી 'બાબા' સુધીની સફર
આ બાબાની સાચી ઓળખ હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ 'નફાકારક' ધંધામાં ઉતરતા પહેલા આ શખ્સ રસ્તા પર મગફળી વેચવાનું કામ કરતો હતો. હવે તેણે ભોળા લોકોને છેતરવા માટે આ નવો નુસખો અપનાવ્યો છે. તે માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પણ ઘરકંકાસ અને નાણાકીય તંગી જેવી સમસ્યાઓ પણ સિગારેટના ધુમાડામાં ઉડાડી દેવાનો દાવો કરે છે.
સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો
તબીબી નિષ્ણાતો આ બાબતે ચેતવણી આપી રહ્યા છે કે સિગારેટનો ધુમાડો ફેફસાં અને હૃદય માટે અત્યંત હાનિકારક છે. જે લોકો બીમારી દૂર કરાવવાની આશાએ ત્યાં જાય છે, તેઓ વાસ્તવમાં સેકન્ડ-હેન્ડ સ્મોકિંગને કારણે કેન્સર અને અસ્થમા જેવી ગંભીર બીમારીઓને નોતરી રહ્યા છે. 'ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે' તેવા સરકારી સૂત્રોને નેવે મૂકીને ચાલતી આ અંધશ્રદ્ધાની દુકાન ચિંતાનો વિષય બની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
