<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

પાકિસ્તાની વાયુસેનાની આકાશમાં નવી તાકાત: 600 કિમીની રેન્જ ધરાવતી સ્વદેશી 'તૈમૂર' મિસાઇલનું સફળ પરીક્ષણ

જમીન અને સમુદ્રમાં ચોકસાઈપૂર્વક ત્રાટકવાની ક્ષમતા: રડારને થાપ આપી અત્યંત ઓછી ઊંચાઈએ ઉડતી આ ક્રૂઝ મિસાઇલ સંરક્ષણ ક્ષેત્રે બનશે નવો પડકાર

ઇસ્લામાબાદ : પાકિસ્તાન વાયુસેના (PAF) એ શનિવારે તેની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો કરતા સ્વદેશી રીતે વિકસિત 'તૈમૂર' (Taimoor) વેપન સિસ્ટમનું સફળ ફ્લાઇટ પરીક્ષણ કર્યું છે. આ નવી એર-લોન્ચ્ડ ક્રૂઝ મિસાઇલ 600 કિલોમીટર દૂર રહેલા લક્ષ્યોને પણ સચોટતાથી વીંધવાની ક્ષમતા ધરાવે છે. રાવલપિંડીમાં સૈન્ય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં આ સફળતાને રાષ્ટ્રીય સંરક્ષણ ક્ષેત્રે એક 'સીમાચિહ્નરૂપ' ગણાવવામાં આવી છે.
દુશ્મનના રડારને થાપ આપવામાં માહિર
તૈમૂર મિસાઇલની સૌથી મોટી ખાસિયત તેની અદ્યતન નેવિગેશન અને ગાઈડન્સ સિસ્ટમ છે. આ મિસાઇલ અત્યંત ઓછી ઊંચાઈએ ઉડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેના કારણે તે દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ અને રડારની નજરમાં આવ્યા વગર લક્ષ્ય સુધી પહોંચી શકે છે. તે પરંપરાગત વોરહેડ લઈ જવા માટે સક્ષમ છે અને જમીન તેમજ સમુદ્ર બંને પરના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે.
આત્મનિર્ભરતા અને તકનીકી પરિપક્વતા
આ સફળ પરીક્ષણ સમયે પાકિસ્તાની સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો હાજર રહ્યા હતા. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુએ આ સિદ્ધિ બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ મિસાઇલ પાકિસ્તાન વાયુસેનાની ઓપરેશનલ સુગમતામાં વધારો કરશે અને દેશના સંરક્ષણ માળખાને વધુ મજબૂત બનાવશે.
તૈમૂર મિસાઇલનું સફળ પરીક્ષણ પાકિસ્તાનના સંરક્ષણ ઉદ્યોગની વધતી જતી તકનીકી પરિપક્વતા અને આત્મનિર્ભરતાનું પ્રતિક માનવામાં આવે છે. આ નવી સિસ્ટમથી પાકિસ્તાન તેની પરંપરાગત પ્રતિરોધક શક્તિ (Deterrence) ને આગામી સ્તર પર લઈ જવા માંગે છે.

(9:02 PM IST)