હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપને જોઈને RSS ને સમજવાની ભૂલ ન કરતા: ભોપાલમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મોટું વિધાન
'સંઘ કોઈ અર્ધલશ્કરી દળ નથી, પણ રાષ્ટ્ર નિર્માણની પાઠશાળા છે': ગણવેશ અને લાકડી પાછળના સાચા મકસદને સમજાવતા ભાગવતે વિરોધીઓને આપ્યો જવાબ

ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે સંઘની વિચારધારા અને તેના કાર્યક્ષેત્ર વિશે ખૂબ જ સ્પષ્ટ અને ધારદાર વાતો કરી છે. તેમણે કહ્યું કે સંઘને ભાજપના ચશ્મા પહેરીને જોવો એ સૌથી મોટી ભૂલ છે. ભાગવતે ભારપૂર્વક જણાવ્યું કે, સંઘ કોઈ રાજકીય પક્ષનો હિસ્સો કે અર્ધલશ્કરી દળ નથી, પરંતુ તે સમાજને સંગઠિત કરી રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત નાગરિકો તૈયાર કરવાનું અભિયાન છે.
ગણવેશ અને લાકડીનો અર્થ સૈન્ય નથી
સંઘના કાર્યક્રમોમાં જોવા મળતા ગણવેશ અને શારીરિક કસરતો અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, "અમે ગણવેશ પહેરીએ છીએ, કૂચ કરીએ છીએ અને લાકડી (દંડ) નો પણ ઉપયોગ કરીએ છીએ, પરંતુ જે લોકો તેને 'પેરામિલિટરી ફોર્સ' સમજે છે તેઓ ભૂલ કરી રહ્યા છે." તેમણે ઉમેર્યું કે સંઘ એક અનોખું સંગઠન છે જેનો હેતુ ભારતને ફરીથી વિદેશી શક્તિઓના આક્રમણથી બચાવવા માટે સમાજને ગુણોથી ભરી દેવાનો છે.
ભાજપ અને વિકિપીડિયાથી દૂર રહેવાની સલાહ
સંઘ પ્રમુખે ટીકા કરતા કહ્યું કે, "જો તમે ભાજપ કે વિદ્યા ભારતી જેવી સંસ્થાઓને જોઈને સંઘનો અંદાજ લગાવશો તો તે અધૂરું જ્ઞાન હશે." તેમણે લોકોને અપીલ કરી કે જો તમારે સંઘને ખરેખર જાણવો હોય તો ઇન્ટરનેટ કે વિકિપીડિયા પર ઉપલબ્ધ અધૂરી માહિતીને બદલે શાખામાં આવીને તેનો અનુભવ કરો. તેમણે ખાંડનું ઉદાહરણ આપતા કહ્યું કે, "ખાંડ કેટલી મીઠી છે તે બે કલાક સમજાવવા કરતા એક ચમચી ચાખી લેવી વધુ સારી છે."
માનસિક ગુલામી સામે જંગ અને સ્વદેશીનો મંત્ર
ભાગવતે ઈતિહાસની યાદ અપાવતા કહ્યું કે, મુઠ્ઠીભર લોકો બહારથી આવ્યા અને આપણને આઠ વાર હરાવી ગયા, કારણ કે આપણે વિભાજિત હતા. આજે રાજકીય ગુલામી ભલે પૂરી થઈ ગઈ હોય, પણ માનસિક ગુલામી હજુ પણ ચાલુ છે. તેમણે લોકોને પોતાની ભાષા, ખોરાક અને ભજન પર ગર્વ લેવા અને માત્ર દેશમાં બનેલી ચીજોનો ઉપયોગ કરી 'આત્મનિર્ભર' બનવા હાકલ કરી હતી.
દબાણ અને હુમલાઓ હવે નહીં નડે
સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે દેશના પ્રવાસે નીકળેલા ભાગવતે ગૌરવ સાથે જણાવ્યું કે, આઝાદી પહેલા અંગ્રેજોએ અને આઝાદી પછી ઘણી સરકારોએ સંઘને દબાવવાના પ્રયાસો કર્યા છે. અનેક હુમલાઓ અને હત્યાઓ સહન કર્યા પછી પણ આજે સંઘ આર્થિક અને સામાજિક રીતે મજબૂત છે. હવે આ દબાણો સંઘને રોકી શકશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
