હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શેરબજારનો 'જેકપોટ' કે સિસ્ટમની ભૂલ? ૨૦ મિનિટમાં ૧.૭૫ કરોડ કમાનાર ટ્રેડર સામે બ્રોકર હાઈકોર્ટમાં હાર્યું,
કોર્ટે સ્પષ્ટ કર્યું કે 'સિસ્ટમની ભૂલ બ્રોકરની છે, ટ્રેડરના નફા પર તેનો કોઈ હક નથી'.

મુંબઈ: શેરબજારમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગને જોખમનું મેદાન માનવામાં આવે છે, પરંતુ રાજગુરુ નામના એક ટ્રેડર માટે આ મેદાન 'લોટરી' સાબિત થયું. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક જાણીતી બ્રોકરેજ કંપનીની સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને રાજગુરુના એકાઉન્ટમાં અચાનક ₹૪૦ કરોડની માર્જિન લિમિટ દેખાવા લાગી. સામાન્ય રીતે આટલી મોટી રકમ માટે કરોડોનું બેલેન્સ હોવું જરૂરી છે, પરંતુ ખામીનો લાભ લઈને રાજગુરુએ જોખમ ખેડ્યું અને ટ્રેડિંગ શરૂ કર્યું. શરૂઆતની ૨૦ મિનિટમાં તેમને ₹૫૪ લાખનો ફટકો પડ્યો હતો, પરંતુ નસીબે પલટો ખાધો અને જોતજોતામાં તેમનો નફો ₹૨.૩૮ કરોડે પહોંચી ગયો.
જ્યારે ટ્રેડિંગ સત્ર પૂરું થયું ત્યારે રાજગુરુનો ચોખ્ખો નફો ₹૧.૭૫ કરોડ હતો. જોકે, અસલી ડ્રામા ત્યારે શરૂ થયો જ્યારે બ્રોકરેજ કંપનીને પોતાની ભૂલ સમજાઈ. કંપનીએ તુરંત જ રાજગુરુના ખાતામાંથી આ નફાની રકમ 'એડજસ્ટ' કરી દીધી, જેનાથી તેમનું બેલેન્સ શૂન્ય થઈ ગયું. બ્રોકરનું કહેવું હતું કે આ ભૂલ ટેકનિકલ હતી, તેથી નફા પર ટ્રેડરનો કોઈ અધિકાર નથી. આ મામલો પહેલા NSE ની ફરિયાદ સેલ અને પછી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં ગયો, જ્યાં શરૂઆતમાં રાજગુરુને નિરાશા મળી. પરંતુ, તેમણે હિંમત ન હારી અને NSE અપીલ ફોરમમાં લડત ચાલુ રાખી.
NSE અપીલ ફોરમે આ કેસમાં ક્રાંતિકારી વ્યાખ્યા આપી અને જણાવ્યું કે જો ટ્રેડિંગમાં નુકસાન થયું હોત તો તેની જવાબદારી ટ્રેડરની રહેત, તો પછી નફામાં ભાગીદારી બ્રોકર કેમ માંગે? ફોરમે બ્રોકરને આદેશ આપ્યો કે રાજગુરુને તેમના ₹૧.૭૫ કરોડની રકમ ૧૨ ટકા વ્યાજ સાથે પરત કરવામાં આવે. આ આદેશ મુજબ NSE એ બ્રોકરના ખાતામાંથી ₹૨.૦૧ કરોડ કાપીને બ્લોક કરી દીધા. આ કડક આદેશથી ગભરાયેલી બ્રોકરેજ કંપનીએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ ત્યાં પણ તેમને મોઢાની ખાવી પડી હતી.
૩ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદાએ સમગ્ર બ્રોકિંગ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ટેકનિકલ ભૂલ માટે બ્રોકર પોતે જવાબદાર છે. વેપારીએ કોઈ છેતરપિંડી કરી નથી કે કોઈ નિયમ તોડ્યો નથી, તેણે માત્ર ઉપલબ્ધ લિમિટમાં રહીને ટ્રેડ કર્યો હતો. કોર્ટે તાર્કિક રીતે સમજાવ્યું કે જો વેપારી ૫૪ લાખના નુકસાનમાં હોત તો બ્રોકરે તેને પૈસા પાછા ન આપ્યા હોત, તો હવે નફો થયો છે તો તે લઈ જવાનો બ્રોકરને કોઈ અધિકાર નથી. આ ચુકાદો શેરબજારના લાખો નાના વેપારીઓ માટે સુરક્ષા કવચ સમાન માનવામાં આવે છે.?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
