News of Saturday, 3rd January 2026
સુપ્રીમ કોર્ટની તપાસ એજન્સીઓને ફટકાર: 'આરોપીને પાઠ ભણાવવા માટે જેલમાં રાખવો તે ન્યાય નથી, જામીન એ નિયમ છે અને જેલ અપવાદ
DHFL કૌભાંડના વાધવન ભાઈઓને જામીન આપતા કોર્ટની મોટી ટિપ્પણી; 736 સાક્ષીઓ અને 17 ટ્રંક ભરેલા દસ્તાવેજો વચ્ચે અનિશ્ચિતકાળ સુધી જેલવાસ રાખવો તે બંધારણીય રીતે ખોટું

નવી દિલ્હી : ભારતની સર્વોચ્ચ અદાલતે તપાસ એજન્સીઓની એ પ્રથા સામે લાલ આંખ કરી છે જેમાં આરોપીઓને લાંબા સમય સુધી જેલમાં રાખીને 'સબક' શીખવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જસ્ટિસ જે.કે. મહેશ્વરીની આગેવાની હેઠળની બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ વ્યક્તિને માત્ર એટલા માટે જેલમાં ન રાખી શકાય કે તેને 'જેલનો સ્વાદ' ચખાડવો છે. કોર્ટે યાદ અપાવ્યું કે કાયદાની નજરમાં દરેક આરોપી ત્યાં સુધી નિર્દોષ છે જ્યાં સુધી તેનો ગુનો સાબિત ન થાય.
સજા વગરની કેદ એ બંધારણનું ઉલ્લંઘન
સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓને આડે હાથ લેતા જણાવ્યું કે, કાયદાકીય અટકાયતને ચુકાદા વિનાની સજામાં ફેરવી શકાય નહીં. જ્યારે અટકાયતનો સમયગાળો અપ્રમાણસર અથવા વધુ પડતો થઈ જાય, ત્યારે અદાલતોએ દખલ કરવી જ પડે છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, "જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે" - આ સિદ્ધાંત ફોજદારી ન્યાયતંત્રનો પાયો છે અને ગંભીર આરોપો હોવા છતાં આ સિદ્ધાંત બદલાતો નથી.
DHFL કેસમાં 17 ટ્રંક ભરેલી ચાર્જશીટ અને વિલંબ
આ ઐતિહાસિક અવલોકનો ₹34,000 કરોડના બેંક છેતરપિંડી કેસમાં કપિલ અને ધીરજ વાધવનને જામીન આપતા સમયે કરવામાં આવ્યા હતા. આ કેસની જટિલતા સમજાવતા કોર્ટે નોંધ્યું કે:
· કેસમાં કુલ 110 આરોપીઓ અને 736 સાક્ષીઓ છે.
· ચાર્જશીટ એટલી વિશાળ છે કે તેના દસ્તાવેજો 17 ટ્રંકમાં ભરેલા છે (આશરે 4 લાખ પાના).
· આવી પરિસ્થિતિમાં આગામી 2-3 વર્ષમાં ટ્રાયલ પૂર્ણ થવાની કોઈ શક્યતા નથી, તેથી આરોપીઓને અનિશ્ચિતકાળ સુધી જેલમાં રાખવા તે વાજબી નથી.
ક્યારે આપી શકાય જામીન?
કોર્ટે સ્પષ્ટતા કરી કે જો આરોપીથી સમાજને ખતરો ન હોય, તે સાક્ષીઓને પ્રભાવિત ન કરી શકે તેમ હોય અથવા તેના ભાગી જવાનું જોખમ ન હોય, તો તેને જેલમાં રાખવો એ ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ છે. વાધવન ભાઈઓને જામીન આપતી વખતે કોર્ટે કડક શરતો લાદી છે, જેમાં દેશ છોડતા પહેલા હાઈકોર્ટની પરવાનગી લેવી અનિવાર્ય છે.
સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય એવા હજારો અંડરટ્રાયલ કેદીઓ માટે આશાનું કિરણ બન્યો છે જેઓ વર્ષોથી સજા થયા વગર જેલના સળિયા પાછળ સડી રહ્યા છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
