<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

નર્મદા કિનારે 'મોતનું તાંડવ': ખરગોનમાં 72 કલાકમાં 150 થી વધુ પોપટના રહસ્યમય મોતથી ફફડાટ, જમીન પર પક્ષીઓના બિછાણા જોઈ કલેજું ધ્રૂજી ઉઠ્યું!

બર્ડ ફ્લૂ કે ફૂડ પોઈઝનિંગ? પશુપ્રેમીઓએ ખવડાવેલી વસ્તુ જ જીવલેણ સાબિત થઈ હોવાની આશંકા; વહીવટી તંત્ર દોડતું થયું, પશુ ચિકિત્સકોએ આપ્યું મોટું નિવેદન

ખરગોન : મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં નર્મદા નદીના શાંત કિનારે છેલ્લા ત્રણ દિવસથી એક અત્યંત કરુણ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આકાશમાં કિલ્લોલ કરતા પોપટ અચાનક ટપોટપ જમીન પર પડી રહ્યા છે. છેલ્લા 72 કલાકમાં અંદાજે 150 થી વધુ પોપટના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં પશુ-પક્ષી પ્રેમીઓમાં રોષ અને ગભરાટ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નર્મદાના ઘાટ પર ઠેર-ઠેર મૃત પોપટના ઢગલા પથરાયેલા જોવા મળે છે.
 ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પશુચિકિત્સા વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે આશ્ચર્યજનક છે. પશુચિકિત્સા વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જી.એસ. સોલંકીએ પુષ્ટિ કરી છે કે પક્ષીઓના મોત બર્ડ ફ્લૂને કારણે નથી થયા. તપાસમાં બહાર આવ્યું છે કે સ્થાનિક પશુપ્રેમીઓ નર્મદા કિનારે પોપટોને ભાત, મિશ્ર અનાજ અને મિક્સર જેવી વસ્તુઓ ખવડાવતા હોય છે. આ ખોરાકમાં ભેજ અથવા ગંદકીના કારણે 'ફૂડ પોઈઝનિંગ' થયું હોવાની પ્રબળ શક્યતા છે.
એકસાથે આટલી મોટી સંખ્યામાં પક્ષીઓના મોતથી લોકોમાં એવી ચર્ચા પણ જાગી હતી કે કોઈ બીમારી ફેલાઈ રહી છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે પોપટના આંતરડામાં ઈન્ફેક્શન જોવા મળ્યું છે. નર્મદા કિનારે ફરવા આવતા લોકો અત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ છે. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે પક્ષીઓને બજારની વસ્તુઓ કે રાંધેલો ખોરાક ખવડાવવાને બદલે કુદરતી દાણા જ નાખવામાં આવે.
 સ્થાનિક લોકો દ્વારા શૂટ કરવામાં આવેલા વીડિયોમાં રસ્તાઓ અને નદીના પથ્થરો પર અસંખ્ય લીલાછમ પોપટ નિષ્પ્રાણ હાલતમાં પડેલા દેખાય છે. વન વિભાગે પણ આ મામલે સતર્કતા વધારી દીધી છે અને બાકીના પક્ષીઓને બચાવવા માટે વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરી છે.

(11:54 PM IST)