હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાનો 'વિજય' કે જબરદસ્તી? વેનેઝુએલા પર કબજાના દાવા સાથે ટ્રમ્પે સંભળાવી માદુરોને દબોચવાની ખતરનાક કહાની!
માદુરો અને તેમની પત્નીને ગુપ્ત ઠેકાણેથી ઝડપી લેવાયા: અમેરિકી રાષ્ટ્રપતિનો હુંકાર, તો બીજી તરફ વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિએ પૂછ્યું- 'મારા રાષ્ટ્રપતિ જીવતા તો છે ને?'

વોશિંગ્ટન:વિશ્વના રાજકારણમાં આજે સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે અમેરિકી દળોએ વેનેઝુએલા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. એક અત્યંત ગુપ્ત અને ઘાતક સૈન્ય ઓપરેશન બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને ઝડપી લેવામાં આવ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે માદુરો જે ગુપ્ત ઠેકાણે છુપાયા હતા, ત્યાં અમેરિકી કમાન્ડોએ ત્રાટકીને તેમને દેશનિકાલ કર્યા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઓપરેશનની રોમાંચક વિગતો શેર કરતા કહ્યું કે, અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીઓ લાંબા સમયથી માદુરો પર નજર રાખી રહી હતી. જ્યારે ખાતરી થઈ ગઈ કે માદુરો ક્યાં છે, ત્યારે મોટા પાયે હવાઈ હુમલા અને ગ્રાઉન્ડ ફોર્સનો ઉપયોગ કરીને તેમને દબોચી લેવાયા. ટ્રમ્પના મતે, આ વેનેઝુએલાના લોકો માટે આઝાદીનો નવો સૂર્યોદય છે અને હવે ત્યાં અમેરિકાના માર્ગદર્શન હેઠળ નવી વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે.
બીજી તરફ, આ હુમલા બાદ વેનેઝુએલામાં ભારે અફરાતફરીનો માહોલ છે. વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે મોટું નિવેદન આપતા કહ્યું છે કે સરકારને રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીના ઠેકાણા વિશે કોઈ જ માહિતી નથી. તેમણે અમેરિકા પાસે પુરાવા માંગ્યા છે કે રાષ્ટ્રપતિ સુરક્ષિત છે. રોડ્રિગ્ઝે કહ્યું, "અમે નિકોલસ માદુરો અને ફર્સ્ટ લેડીના જીવતા હોવાના પુરાવા માંગીએ છીએ. અમને ખબર નથી કે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે."
આ કાર્યવાહીને કારણે દક્ષિણ અમેરિકામાં ભારે તણાવ સર્જાયો છે. રશિયા અને ચીન જેવા દેશોએ અમેરિકાની આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવી છે. જ્યારે બીજી તરફ અમેરિકામાં માદુરોની ધરપકડની તસવીરો અને વીડિયો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર એ વાત પર છે કે શું આ ઘટના ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જશે કે વેનેઝુએલામાં નવી સરકારની સ્થાપના થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
