<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

ભાજપ માટે ગાંધીજીના ચશ્મા માત્ર પ્રચારનું સાધન, રામ આદર્શ નહીં પણ સત્તાની સીડી: રણદીપ સુરજેવાલાના આકરા પ્રહાર

મનરેગાનું નામ બદલી ‘VB-G RAM G’ કરવા મુદ્દે કોંગ્રેસ આક્રમક; સુરજેવાલાએ કહ્યું- "દિલ્હીમાં બેઠેલા શાસકો હવે ગરીબોની રોજીરોટી છીનવશે", 50 કરોડ લોકોની આજીવિકા પર જોખમ હોવાનો સનસનાટીપૂર્ણ દાવો

ભુવનેશ્વર:કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા રાજકીય પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે ભાજપ મહાત્મા ગાંધી અને ભગવાન રામનો ઉપયોગ માત્ર પોતાના રાજકીય પ્રચાર માટે કરી રહી છે. શનિવારે ભુવનેશ્વરમાં આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 11 વર્ષથી ભાજપે સ્વચ્છ ભારત માટે ગાંધીજીના ચશ્મા ઉધાર લીધા છે, પરંતુ તેમના આદર્શોને કચડી નાખ્યા છે. તેવી જ રીતે રામ નામનો જાપ કરીને સત્તા તો મેળવી લીધી, પણ રામરાજ્યના આદર્શોને સરકારના કામકાજમાં ક્યાંય સ્થાન નથી મળ્યું. સુરજેવાલાએ દાવો કર્યો કે ભાજપની નીતિ હંમેશા પ્રતિકોનો ઉપયોગ કરવાની અને પાયાના મૂલ્યોને અવગણવાની રહી છે.

સુરજેવાલાના આ ગુસ્સાનું મુખ્ય કારણ યુપીએ સરકારના સમયના ઐતિહાસિક 'મનરેગા' (MNREGA) કાયદામાં કરવામાં આવેલો ધરખમ ફેરફાર છે. કેન્દ્ર સરકારે હવે મનરેગાનું નામ બદલીને 'વિકાસ ભારત-રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ)' એટલે કે VB-G RAM G કર્યું છે. કોંગ્રેસ નેતાના મતે આ માત્ર નામનો બદલાવ નથી, પરંતુ ગરીબોના અધિકારો પર તરાપ છે. તેમણે આંકડાકીય વિગતો આપતા કહ્યું કે, આ નિર્ણયથી દેશના લગભગ 12.5 કરોડ ગરીબ, આદિવાસી અને દલિત પરિવારો પર સીધી અસર પડશે. જો તેમના પરિવારના સભ્યોને ગણતરીમાં લેવામાં આવે તો અંદાજે 50 કરોડ લોકોની આજીવિકા છીનવાઈ જવાનું જોખમ ઉભું થયું છે.

નવા કાયદાની ખામીઓ વર્ણવતા સુરજેવાલાએ કહ્યું કે, જૂની મનરેગા યોજના 'માંગ આધારિત' હતી, જેમાં ગ્રામ પંચાયત સ્તરે કામ માંગવાનો અધિકાર હતો અને કામ ન મળે તો બેરોજગારી ભથ્થું મળતું હતું. હવે બધી સત્તા દિલ્હીના હાથમાં કેન્દ્રિત કરી દેવામાં આવી છે. હવે દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ નક્કી કરશે કે કયા ગામ કે જિલ્લામાં કેટલું કામ આપવું. વધુમાં, પહેલા મનરેગામાં કેન્દ્ર સરકાર પૂરેપૂરું ભંડોળ આપતી હતી, જ્યારે નવા કાયદા મુજબ હવે રાજ્યોએ 40% ખર્ચ ભોગવવો પડશે. આર્થિક રીતે નબળા રાજ્યો આ ભાર સહન કરી શકશે નહીં, પરિણામે ગરીબોને રોજગારી મળતી આપોઆપ બંધ થઈ જશે.

આ મુદ્દે કોંગ્રેસે હવે આરપારની લડાઈના એંધાણ આપ્યા છે. ઓડિશા કોંગ્રેસના પ્રભારી અજય કુમાર લલ્લુએ જાહેરાત કરી છે કે પાર્ટી આગામી 10 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી 'મનરેગા બચાવો સંગ્રામ' અભિયાન ચલાવશે. આ આંદોલન હેઠળ રાજ્યના દરેક જિલ્લામાં જાહેર સભાઓ યોજીને ગરીબ જનતાને નવા કાયદાની અસરો વિશે જાગૃત કરવામાં આવશે. કોંગ્રેસનું માનવું છે કે ભાજપ સરકાર 'ભગવાન રામ' ના નામનો ઉપયોગ કરીને ગરીબોના ખિસ્સા પર કાતર ચલાવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે 'VB-G RAM G' કાયદો આગામી ચૂંટણીઓમાં કેવો રાજકીય વળાંક લાવે છે.

(11:45 AM IST)