News of Sunday, 4th January 2026
ઈરાનમાં લોહિયાળ જંગ: સર્વોચ્ચ નેતા ખામેનીએ વિરોધ પ્રદર્શનકારીઓને ‘ચૂપ’ કરવાની આપી ધમકી, મૃત્યુઆંક 15ને પાર
રાષ્ટ્રપતિ ટ્રમ્પની હિંસક દમન સામે ચેતવણી છતાં તેહરાન આક્રમક; દેશના 25 પ્રાંતોમાં ભભૂકી ઉઠી વિદ્રોહની જ્વાળા, આર્થિક પાયમાલી અને કટ્ટરપંથી શાસન સામે જનતા રસ્તા પર ઉતરી, સેંકડોની ધરપકડથી ફફડાટ

તેહરાન:ઈરાનમાં એક અઠવાડિયાથી ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશની કથળતી અર્થવ્યવસ્થા અને રિયાલના પતનથી નારાજ જનતા રસ્તા પર ઉતરી છે, જેની સામે ઈરાનના 86 વર્ષીય સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. શનિવારે રાષ્ટ્રને સંબોધતા ખામેનીએ પ્રદર્શનકારીઓને ‘તોફાની’ ગણાવ્યા હતા અને સુરક્ષા દળોને આદેશ આપ્યો હતો કે "આ તોફાનીઓને તેમની યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ." ખામેનીના આ નિવેદનને માનવાધિકાર સંગઠનો સુરક્ષા દળો માટે નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરવાની અને આંદોલનને કચડી નાખવાની ખુલ્લી છૂટ તરીકે જોઈ રહ્યા છે. આ નિવેદન બાદ ઈરાનમાં મોટા પાયે રક્તપાત થવાની ભીતિ સેવાઈ રહી છે.
ઈરાનની અંદરથી મળતા અહેવાલો મુજબ, હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જ્યારે 580 થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ઈરાનના 31 પ્રાંતોમાંથી 25 પ્રાંતોમાં 170 થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનો ફેલાઈ ગયા છે. ખાસ કરીને કોમ શહેરમાં એક ગ્રેનેડ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે હરસીન શહેરમાં કટ્ટરપંથી બાસીજ ફોર્સના એક સભ્યની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે. ઈરાની સુરક્ષા દળો, જે સીધા ખામેનીને જવાબદાર છે, તેઓ મોટરસાયકલ પર સવાર થઈને ઠેર-ઠેર પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરી રહ્યા છે. વર્ષ 2022 માં મહસા અમીનીના મૃત્યુ બાદ ફાટી નીકળેલા રમખાણો પછી આ સૌથી મોટો જનવિદ્રોહ માનવામાં આવી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મામલે તણાવ વધી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને હિંસક રીતે મારવામાં આવશે, તો અમેરિકા મૂકપ્રેક્ષક નહીં રહે અને તેમના બચાવમાં આવશે. ટ્રમ્પની આ ટિપ્પણીએ તેહરાનના શાસકોને વધુ ઉશ્કેર્યા છે, જેમણે વળતા જવાબમાં મધ્યપૂર્વમાં અમેરિકન સૈનિકોને નિશાન બનાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે તાજેતરમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ કરીને પોતાની આક્રમકતાના સંકેત આપી દીધા છે, જેના કારણે ઈરાની શાસન અત્યારે બેકફૂટ પર હોવા છતાં આંતરિક રીતે વધુ કડક દમનકારી નીતિ અપનાવી રહ્યું છે.
ઈરાન સરકાર હંમેશાની જેમ આ વિરોધ પાછળ ઈઝરાયેલ અને અમેરિકા જેવી વિદેશી શક્તિઓનો હાથ હોવાનો દાવો કરી રહી છે, જોકે નાગરિકોનો આક્રોશ મોંઘવારી અને બેરોજગારી સામે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. માનવાધિકાર જૂથોના મતે, ઈરાની સુરક્ષા દળો પ્રદર્શનકારીઓ પર સીધો ગોળીબાર કરી રહ્યા છે. વર્ષ 2019 અને 2022 માં થયેલા દમનકારી ઇતિહાસને જોતા, આ વખતે પણ શાસન સંપૂર્ણ તાકાત લગાવીને અવાજ દબાવવાનો પ્રયાસ કરશે. હાલમાં સમગ્ર ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે અને દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે વૈશ્વિક સમુદાય ઈરાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહ્યો છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
