<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

ન્યૂ યોર્કમાં ‘નાર્કો-આતંકવાદી’ માદુરોનો ન્યાય: અમેરિકી સેનાએ બેડરૂમમાંથી દબોચીને ડામર પર પટક્યા, એફબીઆઈના મજબૂત સુરક્ષા કવચ વચ્ચે ‘પરપ વૉક’

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને તેમની પત્નીનો ન્યૂ યોર્ક એરપોર્ટ પર ઉતરાણનો વીડિયો વાયરલ; 3,300 કિમીના ફિલ્મી સફર બાદ મેનહટન ફેડરલ કોર્ટમાં થશે રજૂઆત, ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય કાવતરાના ગંભીર આરોપોમાં જેલની હવા ખાવાની નોબત

ન્યૂ યોર્ક:દુનિયાના સૌથી શક્તિશાળી લોકશાહી દેશ અમેરિકાએ દક્ષિણ અમેરિકાના સરમુખત્યાર ગણાતા નિકોલસ માદુરોને તેમના જ ઘરમાંથી ઉઠાવીને અમેરિકી ધરતી પર લાવી પટક્યા છે. શનિવારે, 3 જાન્યુઆરી 2026ના રોજ મોડી રાત્રે અમેરિકી સૈન્યના ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ બાદ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને લઈને ખાસ વિમાન ન્યૂ યોર્ક પાસેના સ્ટુઅર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. ડાબેરી નેતા માદુરો, જે ક્યારેક અમેરિકાને ખુલ્લી ધમકીઓ આપતા હતા, તેમને એફબીઆઈ (FBI) અને ડીઈએ (DEA) એજન્ટોના લોખંડી ઘેરાબંધી વચ્ચે વિમાનમાંથી ઉતરતા જોવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક પળોનું લાઈવ પ્રસારણ અમેરિકી ચેનલો પર કરાયું હતું, જેમાં માદુરો લાચાર અને વિવશ દેખાતા હતા.

માદુરોની ધરપકડનો સફર કોઈ હોલીવુડ ફિલ્મની પટકથા જેવો રોમાંચક રહ્યો છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં સ્થિત તેમના કિલ્લા સમાન નિવાસસ્થાન પર અમેરિકી ડેલ્ટા ફોર્સે માત્ર 30 મિનિટમાં આ હુમલો પૂર્ણ કર્યો હતો. ત્યાંથી તેમને હેલિકોપ્ટર દ્વારા કેરેબિયન સમુદ્રમાં ઉભેલા અમેરિકી યુદ્ધ જહાજ ‘યુએસએસ ઇવો જીમા’ પર લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેમને ગ્વાન્ટાનામો બે (ક્યુબા) લઈ જઈને ત્યાંથી ખાસ વિમાન દ્વારા ન્યૂ યોર્ક લાવવામાં આવ્યા હતા. ન્યૂ યોર્ક એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમને હેલિકોપ્ટર મારફતે મેનહટન વેસ્ટસાઇડ હેલિપોર્ટ અને ત્યાંથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

અમેરિકી એટર્ની જનરલ પામ બોન્ડીએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે માદુરો અને તેમની પત્ની પર ન્યૂ યોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટમાં નાર્કો-ટેરરિઝમ, કોકેન આયાત કરવાનું કાવતરું અને ઘાતક મશીનગન રાખવાના ગંભીર આરોપો હેઠળ કેસ ચલાવવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં માદુરોને હાથકડી પહેરેલી હાલતમાં ડીઈએના એજન્ટો દ્વારા લઈ જવામાં આવતા (Perp Walk) બતાવવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે માદુરોએ અમેરિકામાં ડ્રગ્સ મોકલીને લાખો યુવાનોનું જીવન બરબાદ કર્યું છે અને હવે તેમણે અમેરિકન ન્યાયતંત્રનો સામનો કરવો જ પડશે.

આ ઐતિહાસિક ધરપકડ બાદ વેનેઝુએલામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. એક તરફ ત્યાંના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે આ ઘટનાને ‘બાર્બરિક કિડનેપિંગ’ ગણાવ્યું છે, તો બીજી તરફ અમેરિકામાં આ કાર્યવાહીની ઉજવણી કરવામાં આવી રહી છે. માદુરો અને તેમની પત્નીને હાલમાં બ્રુકલિનના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે અને સોમવારે તેમને મેનહટન ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવશે તેવી શક્યતા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે અમેરિકા પોતાના દુશ્મનોને દુનિયાના ગમે તે ખૂણેથી શોધીને સજા આપવાની ક્ષમતા ધરાવે છે.

(11:54 AM IST)