News of Sunday, 4th January 2026
રાશન વિતરણમાં ઐતિહાસિક બદલાવ: હવે મોબાઈલ જ તમારું રેશનકાર્ડ: અમદાવાદના સાબરમતીથી 'ડિજિટલ ફૂડ કરન્સી'નો પ્રારંભ: ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ક્રાંતિકારી પહેલ કરી: અધિક મુખ્ય સચિવ મોના ખંધારના હસ્તે ભવ્ય લોન્ચિંગ
હવે લાભાર્થીઓને આરબીઆઈના ડિજિટલ વોલેટ અને ક્યુઆર કોડ સ્કેનિંગ દ્વારા અનાજ મળશે: આ નવી પદ્ધતિથી સર્વર ડાઉન અને ફિંગરપ્રિન્ટ મેચ ન થવાની કાયમી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને અનાજ વિતરણમાં પારદર્શિતા આવશે

અમદાવાદ: અહીંના સાબરમતી ઝોનમાં રેશનકાર્ડ ધારકો માટે 'ડિજિટલ ફૂડ કરન્સી'નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હવે લાભાર્થીઓને આરબીઆઈના ડિજિટલ વોલેટ અને ક્યુઆર કોડ સ્કેનિંગ દ્વારા અનાજ મળશે. આ નવી પદ્ધતિથી સર્વર ડાઉન અને ફિંગરપ્રિન્ટ મેચ ન થવાની કાયમી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને અનાજ વિતરણમાં પારદર્શિતા આવશે.
ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરી છે. અમદાવાદના સાબરમતી ઝોનથી શનિવારે 'ડિજિટલ ફૂડ કરન્સી'ના પાયલોટ પ્રોજેક્ટ એટલે કે પ્રૂફ ઓફ કોન્સેપ્ટનું અધિક મુખ્ય સચિવ મોના ખંધારના હસ્તે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે તમારો મોબાઈલ ફોન જ તમારું રેશનકાર્ડ બની જશે.
ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ના સહયોગથી આ નવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જેમાં લાભાર્થીના મોબાઈલ ફોનમાં આરબીઆઈ દ્વારા માન્ય એક ખાસ 'ડિજિટલ વોલેટ' બનાવવામાં આવશે. દર મહિનાની ૧લી તારીખે સરકાર દ્વારા અનાજ માટેના 'ડિજિટલ કૂપન્સ' (ઈ-રૂપી વાઉચર સ્વરૂપે) સીધા જ લાભાર્થીના આ વોલેટમાં જમા કરી દેવામાં આવશે. જ્યારે લાભાર્થી સસ્તા અનાજની દુકાને જશે ત્યારે તેણે માત્ર દુકાનદારનો ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. કોડ સ્કેન થતાની સાથે જ કૂપન રિડીમ થઈ જશે અને તેમને મળવાપાત્ર અનાજ મળી જશે.
અંગૂઠાના નિશાન અને સર્વરની સમસ્યાનો કાયમી ઉકેલ
અત્યાર સુધી વપરાતી ઈ-પોસ સિસ્ટમ્સમાં ઘણીવાર સર્વર ડાઉન હોવાને કારણે અથવા ખાસ કરીને વૃદ્ધો અને શ્રમિકોના અંગૂઠાના નિશાન (બાયોમેટ્રિક) મેચ ન થવાને કારણે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું અને ધક્કા ખાવા પડતા હતા.
અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે આ નવી પ્રણાલીમાં બાયોમેટ્રિકની જરૂર નથી, માત્ર મોબાઈલ સ્કેનથી જ વિતરણ શક્ય બનશે. આનાથી સમયનો બચાવ થશે અને વિતરણ વ્યવસ્થા અત્યંત ઝડપી બનશે. જો કોઈ લાભાર્થી પાસે સ્માર્ટફોન ન હોય તો પણ અન્ય વિકલ્પો વિચારવામાં આવ્યા છે, પરંતુ આ પાયલોટ પ્રોજેક્ટ મુખ્યત્વે ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપશે.
ચોરી અટકશે અને પારદર્શિતા વધશે
આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી રેશનના અનાજની બારોબાર થતી કાળાબજારી અને ચોરી અટકી જશે. લાભાર્થી પોતાની મોબાઈલ સ્ક્રીન પર સ્પષ્ટ જોઈ શકશે કે તેને કઈ વસ્તુ અને કેટલો જથ્થો મળવાપાત્ર છે. અનાજ લીધા પછી તુરંત જ તેની 'ડિજિટલ રિસીપ્ટ' પણ મોબાઈલમાં આવી જશે. આનાથી ગ્રાહક જાણી શકશે કે તેના રાશન પાછળ સરકાર કેટલો ખર્ચ કરી રહી છે અને સબસિડીનો સાચો લાભ સીધો જનતા સુધી પહોંચશે.
અમદાવાદમાં સફળતા મળ્યા બાદ આ પ્રોજેક્ટને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
