News of Sunday, 4th January 2026
વિશ્વયુદ્ધના ભણકારા: વેનેઝુએલામાં માદુરોની ધરપકડથી કિમ જોંગ ઉન લાલઘૂમ, મિસાઇલોના ધડાકાથી પેસિફિક સમુદ્ર ધ્રૂજ્યો
અમેરિકાના નિકોલસ માદુરો વિરુદ્ધના 'સર્જિકલ સ્ટ્રાઈક' ઓપરેશન બાદ પ્યોંગયાંગમાં ખળભળાટ: કિમ જોંગ ઉને પોતાના 'પરમ મિત્ર'ના બચાવમાં પરમાણુ મિસાઇલોનું રણશિંગું ફૂંકી ત્રીજા વિશ્વયુદ્ધની આપી ખુલ્લી ચેતવણી, ટ્રમ્પના નિર્ણયથી ગ્લોબલ ટેન્શન ટોચ પર

વોશિંગ્ટન/પ્યોંગયાંગ: દુનિયા અત્યારે બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી ભયાનક વળાંક પર ઉભી હોય તેવું લાગી રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકી સૈન્યએ વેનેઝુએલામાં ઘૂસીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લેતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. અમેરિકાની આ આક્રમક કાર્યવાહીના પડઘા સીધા ઉત્તર કોરિયામાં પડ્યા છે. માદુરોને પોતાના 'ક્રાંતિકારી મિત્ર' ગણાવતા કિમ જોંગ ઉને અમેરિકાના આ પગલાને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદ' ગણાવ્યો છે. કિમના ગુસ્સાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે તાત્કાલિક અસરથી પૂર્વ સમુદ્ર તરફ એક પછી એક અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડીને વોશિંગ્ટનને સીધો પડકાર ફેંક્યો છે.
શનિવારે વહેલી સવારે જ્યારે વિશ્વ માદુરોની ધરપકડના સમાચાર પચાવી રહ્યું હતું, ત્યારે પ્યોંગયાંગ નજીકના વિસ્તારોમાંથી મિસાઇલોના પ્રક્ષેપણના અવાજોએ જાપાન અને દક્ષિણ કોરિયામાં ખતરાની ઘંટડી વગાડી દીધી હતી. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ (JCS) મુજબ, આ વર્ષનું આ પહેલું અને સૌથી આક્રમક શસ્ત્ર પરીક્ષણ છે. કિમ જોંગ ઉને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો માદુરોને સન્માનપૂર્વક મુક્ત કરવામાં નહીં આવે, તો અમેરિકાએ તેના 'ગંભીર અને વિનાશક' પરિણામો ભોગવવા પડશે. આ ધમકીએ વ્હાઈટ હાઉસમાં દોડધામ મચાવી દીધી છે અને પેન્ટાગોન હવે આ હિલચાલ પર બાજ નજર રાખી રહ્યું છે.
બીજી તરફ, યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડે આ મિસાઇલ લોન્ચિંગ બાદ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને સાથી દેશોને શાંત રહેવા અપીલ કરી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે આ પ્રક્ષેપણો હાલમાં કોઈ તાત્કાલિક ખતરો નથી, પરંતુ અમેરિકી સૈન્ય કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાઈ-એલર્ટ પર છે. જોકે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગની બેઇજિંગ મુલાકાત સમયે જ થયેલા આ ધડાકાઓએ એશિયામાં રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચાડ્યો છે. ચીન પણ અમેરિકાની આ દાદાગીરી સામે કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર આખા વિશ્વની નજર ટકેલી છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે જો કિમ જોંગ ઉન પોતાની પરમાણુ શક્તિનો પ્રયોગ કરવાની દિશામાં આગળ વધશે, તો વિશ્વ 'ત્રીજા વિશ્વયુદ્ધ'ના મુખમાં ધકેલાઈ શકે છે. એક તરફ દક્ષિણ અમેરિકામાં વેનેઝુએલાની અસ્થિરતા અને બીજી તરફ ઉત્તર કોરિયાના મિસાઈલ હુમલાની ધમકીએ સંયુક્ત રાષ્ટ્ર (UN) ને પણ લાચાર બનાવી દીધું છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ માદુરોને છોડશે કે પછી કિમ જોંગ ઉન પોતાની મિસાઇલોથી અમેરિકાના સાથી દેશો પર હુમલો કરીને નવી જંગ શરૂ કરશે? આ સવાલ અત્યારે સમગ્ર માનવજાતને ડરાવી રહ્યો છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
