News of Sunday, 4th January 2026
ધરપકડના ૪૮ કલાક પહેલાંનો 'ડેથ બેડ' ઇન્ટરવ્યુ: માદુરોએ ટ્રમ્પ સાથેની ૧૦ મિનિટની એ ગુપ્ત વાતચીતનું શું ખોલ્યું રહસ્ય?
ન્યૂયોર્કની જેલમાં બંધ વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ ધરપકડ પહેલાં જ અમેરિકાને આપી હતી તેલ અને ડ્રગ્સ મામલે મોટી ઓફર; ટ્રમ્પના ફોન કોલથી લઈને વ્હાઈટ હાઉસના ષડયંત્ર સુધીના સનસનાટીપૂર્ણ દાવાઓ હવે વૈશ્વિક સ્તરે ચર્ચામાં

ન્યૂયોર્ક/કારાકાસ:અમેરિકી સ્પેશિયલ ફોર્સના હાથે પકડાયાના માત્ર ૪૮ કલાક પહેલાં નિકોલસ માદુરોએ મેક્સીકન અખબાર 'લા જોર્નાડા'ને આપેલો ઇન્ટરવ્યુ અત્યારે દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યો છે. આ ઇન્ટરવ્યુમાં માદુરોએ એક મોટો ધડાકો કરતા જણાવ્યું હતું કે, ગત ૨૧ નવેમ્બરના રોજ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને વ્હાઇટ હાઉસથી ફોન કર્યો હતો. આ ૧૦ મિનિટની વાતચીતમાં બંને નેતાઓ વચ્ચે અત્યંત આદરપૂર્ણ સંવાદ થયો હતો. માદુરોએ આશા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને વેનેઝુએલા તથ્યોના આધારે ફરીથી સંબંધો સુધારી શકે છે, પરંતુ કોને ખબર હતી કે આ મીઠી વાતચીતના પડદા પાછળ ટ્રમ્પ માદુરોને ઉઠાવી લેવાનો માસ્ટર પ્લાન તૈયાર કરી રહ્યા હતા.
માદુરોએ આ ઇન્ટરવ્યુમાં અમેરિકા સામે 'શાંતિનો પ્રસ્તાવ' મૂકતા કહ્યું હતું કે, જો વોશિંગ્ટન ઈચ્છતું હોય તો વેનેઝુએલા ડ્રગ હેરફેર રોકવા માટે કોઈપણ સમજૂતી કરવા તૈયાર છે. તેમણે અમેરિકાની મોટી ઓઈલ કંપની 'શેવરોન'ની જેમ અન્ય કંપનીઓને પણ વેનેઝુએલાના તેલ ભંડારોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. માદુરોએ ભવિષ્યવાણી કરી હોય તેમ કહ્યું હતું કે, અમેરિકાનું દબાણ માત્ર વેનેઝુએલાના તેલ, સોનું અને કિંમતી ખનિજો હડપવા માટે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ગમે ત્યારે અને ગમે ત્યાં વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ અમેરિકાએ વાતચીતને બદલે 'ગન-ડિપ્લોમસી' પસંદ કરી.
ડ્રગ નાર્કો-આતંકવાદના આરોપો પર માદુરોએ ઇન્ટરવ્યુમાં બચાવ કરતા કહ્યું હતું કે, અમેરિકાના તમામ દાવા પાયાવિહોણા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે અસલી કોકેઈન તો પડોશી દેશ કોલંબિયાથી આવે છે અને વેનેઝુએલા તો માત્ર તેનો સામનો કરી રહ્યું છે. જોકે, આ ઇન્ટરવ્યુના પ્રસારણના ગણતરીના કલાકોમાં જ અમેરિકી દળોએ કારાકાસમાં મધરાતે દરોડો પાડી માદુરોની ધરપકડ કરી લીધી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ડ્રગ લોડિંગ ડોક પર હુમલો કર્યો છે, જેના જવાબમાં માદુરોએ જે-તે સમયે ગર્વથી કહ્યું હતું કે તેમની સંરક્ષણ પ્રણાલી અભેદ્ય છે, જે અંતે નિષ્ફળ સાબિત થઈ.
હાલમાં માદુરો ન્યૂયોર્કની હાઈ-સિક્યોરિટી જેલમાં બંધ છે અને તેમના પર નાર્કો-આતંકવાદનો કેસ ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે હવે વેનેઝુએલાનો વહીવટ અમેરિકા સંભાળશે, જે લેટિન અમેરિકામાં લોહીની હોળી ખેલાવી શકે છે. માદુરોનો આ છેલ્લો ઇન્ટરવ્યુ હવે એક ઐતિહાસિક દસ્તાવેજ બની ગયો છે, જે દર્શાવે છે કે કેવી રીતે એક રાષ્ટ્રપતિ સત્તા બચાવવા માટે અંતિમ સમય સુધી અમેરિકા સાથે 'ડીલ' કરવા મથી રહ્યો હતો, જ્યારે બીજી તરફ મહાસત્તાએ તેને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હતું.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
