<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

બંગાળમાં 'મિશન ૨૦૨૬': અમિત શાહનો માસ્ટર પ્લાન તૈયાર, મમતાના ગઢમાં ગાબડું પાડવા ભાજપનો વ્યૂહાત્મક ઘેરો

૧૫ એપ્રિલ ૨૦૨૬ બાદ પશ્ચિમ બંગાળમાં 'કમળ' ખીલવવાનો અમિત શાહનો હુંકાર: બૂથ લેવલે માઇક્રો-પ્લાનિંગ, 'રાષ્ટ્રીય સુરક્ષા ગ્રીડ' દ્વારા ઘૂસણખોરી રોકવાની ગેરંટી અને અધીર રંજન ચૌધરીની મોદી સાથેની મુલાકાતે તૃણમૂલ છાવણીમાં ફફડાટ

કોલકાતા/નવી દિલ્હી:પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગણાતા અમિત શાહે બંગાળના ગઢને ફતેહ કરવા માટે એક અત્યંત ગુપ્ત અને મજબૂત વ્યૂહરચના અમલમાં મૂકી છે. તાજેતરની કોલકાતાની મુલાકાત દરમિયાન શાહે ભાજપના કાર્યકરોને 'બૂથ લેવલ' પર સક્રિય થવાનો આદેશ આપતા સ્પષ્ટ કર્યું છે કે, આ વખતે ભાજપ માત્ર લડવા માટે નહીં પણ ૨/૩ બહુમતી સાથે સરકાર બનાવવા મેદાનમાં ઉતરી રહ્યું છે. ૨૦૨૧માં ૩ થી ૭૭ બેઠકો સુધી પહોંચેલી ભાજપ હવે ૧૪૮ના મેજિક ફિગરને વટાવવા માટે આક્રમક રીતે આગળ વધી રહી છે.

અમિત શાહની આ 'ચક્રવ્યૂહ' જેવી યોજનામાં બાંગ્લાદેશી ઘૂસણખોરીને મુખ્ય શસ્ત્ર બનાવવામાં આવ્યું છે. તેમણે વચન આપ્યું છે કે જો ભાજપ સત્તામાં આવશે, તો ૧૫ એપ્રિલ ૨૦૨૬ પછી એક 'રાષ્ટ્રીય સુરક્ષા ગ્રીડ' સ્થાપિત કરવામાં આવશે, જેનાથી સરહદ પારની ઘૂસણખોરીનો કાયમી ઉકેલ લાવવામાં આવશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દર મહિને બંગાળની મુલાકાત લઈ જનતા સાથે સીધો સંવાદ કરશે. શાહે પક્ષના નેતાઓને સ્પષ્ટ કરી દીધું છે કે જે નેતાઓ ગ્રાઉન્ડ લેવલ પર પરિણામ આપશે, તેમને જ આગામી ટિકિટ ફાળવવામાં આવશે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટા 'પોલિટિકલ ડ્રામા'ના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદી સાથે નવી દિલ્હીમાં કરેલી મુલાકાતે રાજકીય વર્તુળોમાં અટકળો તેજ કરી છે. ચર્ચા એવી છે કે ચૂંટણી પહેલા અધીર રંજન ભાજપમાં જોડાઈ શકે છે, જે મમતા બેનર્જી માટે મોટો આંચકો સાબિત થશે. વધુમાં, તૃણમૂલના જ પૂર્વ ધારાસભ્ય હુમાયુ કબીરે 'જનતા ઉન્નયન પાર્ટી' નામની નવી પાર્ટી રચીને લઘુમતી મતોમાં વિભાજન કરવાનું નક્કી કર્યું છે, જે સીધો ફાયદો ભાજપને પહોંચાડી શકે છે.

મમતા બેનર્જી સામે અત્યારે ૧૫ વર્ષના શાસનની 'એન્ટી-ઈન્કમ્બન્સી' (સત્તા વિરોધી લહેર) અને ભ્રષ્ટાચારના આરોપોનો પડકાર છે. અભિષેક બેનર્જી ભલે ૨૧૬ થી વધુ બેઠકો જીતવાનો દાવો કરતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ઈશારો કરી રહી છે. અમિત શાહે ભાજપના સાંસદો અને ધારાસભ્યોને અઠવાડિયામાં ૪ દિવસ પોતાના મતવિસ્તારમાં રહેવા અને રોજ ૫ મિટિંગો કરવાનો ટાર્ગેટ આપ્યો છે. બંગાળનું રાજકારણ હવે 'હિન્દુત્વ' અને 'બંગાળી ગૌરવ' વચ્ચેના જંગમાં ફેરવાઈ ગયું છે, જેનો આખરી ફેંસલો ૨૦૨૬ની જનતા કરશે.

(1:20 PM IST)