<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

'ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્યુટ': ૩૦ મિનિટમાં વેનેઝુએલા સાફ, ૧૫૦ ફાઈટર જેટ્સના ઘેરાબંધી વચ્ચે પકડાયો 'સરમુખત્યાર' માદુરો

અમેરિકી નેવી સીલ્સ અને સ્પેશિયલ ફોર્સનું મધરાતે કારાકાસમાં સીધું લેન્ડિંગ: અંધકારમાં ડૂબેલા મહેલના દરવાજા તોડી નિકોલસ માદુરોને પત્ની સાથે દબોચી લેવાયા, ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ દાયકાઓનું સૌથી ઘાતક અને સચોટ મિશન પાર પાડી વેનેઝુએલા પર જમાવ્યો કબજો

વોશિંગ્ટન/કારાકાસ: વિશ્વના ઈતિહાસમાં ૨ જાન્યુઆરી, ૨૦૨૬ની રાત એક ભયાનક અને ચોકસાઈભર્યા સૈન્ય ઓપરેશન માટે સુવર્ણ અક્ષરે લખાશે. અમેરિકાએ "ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્યુટ" દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તેમના જ સુરક્ષિત મહેલમાંથી ઉઠાવીને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. રાત્રે ૧૦:૪૬ વાગ્યે વ્હાઇટ હાઉસમાંથી ટ્રમ્પની લીલી ઝંડી મળતાની સાથે જ ૧૫૦થી વધુ અત્યાધુનિક વિમાનોએ આકાશમાં ધામા નાખ્યા હતા. F-૨૨ રેપ્ટર અને F-૩૫ જેવા સ્ટીલ્થ ફાઈટર જેટ્સે વેનેઝુએલાના રડાર નેટવર્કને જામ કરી દીધું, જ્યારે B-૧ બોમ્બર્સે વ્યૂહાત્મક ઠેકાણાઓ પર બોમ્બમારો કરી રસ્તો સાફ કર્યો હતો.
કારાકાસમાં બરાબર રાત્રે ૧:૦૧ વાગ્યે જ્યારે સમગ્ર શહેર અંધકારમાં ડૂબેલું હતું, ત્યારે અમેરિકી સ્પેશિયલ ફોર્સના હેલિકોપ્ટર્સ માદુરોના મહેલના કમ્પાઉન્ડમાં ઉતર્યા હતા. માદુરોનો મહેલ કોઈ કિલ્લાથી કમ નહોતો, પરંતુ અમેરિકી સૈનિકોએ માર-એ-લાગોમાં મહિનાઓ સુધી આ મહેલની પ્રતિકૃતિ પર રિહર્સલ કર્યું હતું. સૈનિકો ભારે બ્લોટોર્ચ અને આધુનિક શસ્ત્રો સાથે મહેલમાં ઘૂસ્યા હતા. માદુરોને તેમના 'સેફ રૂમ' સુધી પહોંચવાની તક પણ ન મળી અને માત્ર ૩૦ મિનિટની અંદર તેમને જીવતા પકડી લેવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન સાત પ્રચંડ વિસ્ફોટોથી કારાકાસ ધ્રૂજી ઉઠ્યું હતું, જેણે વેનેઝુએલાના સંરક્ષણ દળોને લાચાર બનાવી દીધા હતા.
જનરલ ડેન કેને આ મિશનની સફળતાને અમેરિકી સૈન્ય ઈતિહાસનું શિખર ગણાવ્યું છે. CIA અને NSA જેવી એજન્સીઓએ માદુરોની પળેપળની હિલચાલ પર નજર રાખી હતી, જેના કારણે એક પણ અમેરિકી સૈનિકને ઈજા પહોંચ્યા વગર આ મિશન પાર પડ્યું. બીજી તરફ, અમેરિકી ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસ સામે નાર્કો-આતંકવાદના ગંભીર આરોપો છે અને હવે તેમને ન્યૂયોર્કની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ટ્રમ્પે ડંકે કી ચોટ પર જાહેરાત કરી છે કે હવે વેનેઝુએલાનો વહીવટ વોશિંગ્ટનથી ચાલશે, જેણે લેટિન અમેરિકામાં અમેરિકાનો દબદબો ફરી સ્થાપિત કર્યો છે.
આ હુમલા બાદ વેનેઝુએલાના સૈન્યમાં ભારોભાર રોષ છે, પરંતુ નેતૃત્વના અભાવે તેઓ અત્યારે વિખેરાયેલા છે. વેનેઝુએલાના અધિકારીઓએ દાવો કર્યો છે કે આ હુમલામાં અનેક સૈનિકો અને નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જોકે અમેરિકાએ તેને 'કોલેટરલ ડેમેજ' ગણાવીને ફગાવી દીધું છે. આ ઓપરેશને ચીન અને રશિયા જેવા દેશોને પણ ફાળ પાડી દીધી છે, કારણ કે અમેરિકાએ સાબિત કરી દીધું છે કે તે વિશ્વના કોઈપણ ખૂણે ઘૂસીને પોતાના દુશ્મનોને પકડી શકે છે. હવે વેનેઝુએલાનું ભવિષ્ય શું હશે અને તેલના ભંડારો પર અમેરિકાનું નિયંત્રણ વિશ્વના અર્થતંત્રને કઈ દિશામાં લઈ જશે, તેના પર આખા વિશ્વની નજર છે.

(1:29 PM IST)