News of Sunday, 4th January 2026
ઓડિશા: ઢેંકનાલ જિલ્લામાં ગેરકાયદે મનાતી પથ્થરની ખાણમાં ભેખડ ધસી પડતાં ગંભીર દુર્ઘટના: અનેક શ્રમિકો દટાયા: ઘટના બની ત્યારે મજૂરો ખાણમાં પથ્થરો ખોદવાનું અને બહાર કાઢવાનું કામ કરી રહ્યાતા
ફાયર બ્રિગેડ, ઓડીઆરએએફ અને ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે તૈનાત: વિપક્ષી નેતા નવીન પટનાયકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર દુઃખ વ્યક્ત કરી તપાસની માંગ કરી

ભુવનેશ્વર/ઢેંકનાલ: ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાં શનિવારે મોડી સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના મોટાંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોપાલપુર ગામ પાસે આવેલી પથ્થરની એક ખાણમાં ભેખડ ધસી પડતાં અનેક મજૂરો પથ્થરો નીચે દટાયા હોવાની આશંકા છે. આ ઘટના બની ત્યારે મજૂરો ખાણમાં પથ્થરો ખોદવાનું અને બહાર કાઢવાનું કામ કરી રહ્યા હતા.
અધિકારીઓ દ્વારા મળેલી માહિતી મુજબ, હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે કેટલા મજૂરો ખડકો નીચે ફસાયેલા છે અને ઘટનાનું ચોક્કસ કારણ શું હતું. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાસ્થળે સ્થાનિક અગ્નિશમન દળ, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ઓડીઆરએએફ) ની ટીમ અને ડોગ સ્કવોડને રવાના કરવામાં આવ્યા છે.
ફાયરબ્રિગેડ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી હાલ ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ખાણ ગેરકાયદેસર હોવાની પણ ચર્ચાઓ છે અને પથ્થરની ખાણમાં વિસ્ફોટ (બ્લાસ્ટિંગ) કર્યા બાદ ખડકોનો મોટો ભાગ તૂટી પડ્યો હતો.
આ ગંભીર ઘટના અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા નવીન પટનાયકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, "ઢેંકનાલમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ખડક પડવાથી શ્રમિકોના મોતના સમાચારથી મને ઘણું દુઃખ પહોંચ્યું છે. દુઃખની આ ઘડીમાં હું મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું."
વધુમાં તેમણે આ મામલે યોગ્ય તપાસની માંગ કરતા કહ્યું હતું કે, સરકારે બચાવ અભિયાનમાં તેજી લાવવા પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
