<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

માદુરોની ધરપકડ પાછળનું 'મહા-ષડયંત્ર': પોતાના જ બોડીગાર્ડે 50 મિલિયન ડોલરમાં રાષ્ટ્રપતિનો સોદો કર્યો!

માર-એ-લાગોના કંટ્રોલ રૂમમાંથી ટ્રમ્પે લાઈવ જોયું ઓપરેશન: CIAની ટીમે મહિનાઓ સુધી પડછાયો બની માદુરોનો પીછો કર્યો અને અંતે ખરાબ હવામાન વચ્ચે ડેલ્ટા ફોર્સે ઈતિહાસ રચી દીધો

વોશિંગ્ટન  : ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ' ની જે અંદરની વિગતો બહાર આવી રહી છે તે કોઈ સસ્પેન્સ થ્રિલર જેવી છે. નિકોલસ માદુરો જે સુરક્ષા કોચલામાં પોતાને સુરક્ષિત માનતા હતા, તે જ કોચલામાં અમેરિકાએ ગાબડું પાડ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રે માદુરોના સૌથી વિશ્વાસુ અંગરક્ષકોને જ $50 મિલિયન (આશરે ₹420 કરોડ) ની જંગી લાંચ આપીને ખરીદી લીધા હતા. આ ગદ્દારીને કારણે દુનિયાના સૌથી શક્તિશાળી ગણાતા સુરક્ષા કવચમાં ગાબડું પડ્યું અને માદુરોની દરેક ક્ષણની વિગતો સીધી અમેરિકી ગુપ્તચર એજન્સી CIA સુધી પહોંચવા લાગી. ઓગસ્ટ મહિનાથી વેનેઝુએલામાં છુપાયેલી CIAની એક નાનકડી ટીમે માદુરો ક્યારે સૂવે છે, શું જમે છે અને કયા બંકરમાં આશરો લે છે તેની નજરકેદ કરી હતી.

આ ઓપરેશન એટલું જોખમી હતું કે યુએસ આર્મીની ચુનંદા 'ડેલ્ટા ફોર્સ' એ હુમલો કરતા પહેલા માદુરોના સેફ હાઉસની આબેહૂબ નકલ (રેપ્લિકા) બનાવીને અનેકવાર રિહર્સલ કર્યું હતું. ગયા સોમવારે જ પ્લાન તૈયાર હતો, પરંતુ કુદરતે હસ્તક્ષેપ કર્યો અને ખરાબ હવામાનને કારણે આર્મીએ ચાર દિવસ સુધી શ્વાસ અધ્ધર રાખીને રાહ જોવી પડી. અંતે શુક્રવારે રાત્રે 10:49 વાગ્યે જ્યારે આકાશ સાફ થયું, ત્યારે અંતિમ લીલી ઝંડી આપવામાં આવી. આ દરમિયાન કેરેબિયન સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર 'USS ગેરાલ્ડ આર. ફોર્ડ' અને અન્ય 11 યુદ્ધ જહાજો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈનાત હતા.

સૌથી રસપ્રદ દ્રશ્ય ફ્લોરિડાના માર-એ-લાગો ક્લબમાં હતું, જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કંટ્રોલ રૂમમાં બેસીને સાત કલાક સુધી આ સમગ્ર ઓપરેશનનું લાઈવ પ્રસારણ જોઈ રહ્યા હતા. તેમની સાથે ટોચના સલાહકારો અને મરીન કમાન્ડરો હાજર હતા. જ્યારે ડેલ્ટા ફોર્સે માદુરોને પકડીને સબમિશનનો સંકેત આપ્યો, ત્યારે આખા કંટ્રોલ રૂમમાં જીતનો માહોલ છવાઈ ગયો હતો. 4,000 યુએસ મરીન સૈનિકો બેકઅપ માટે તૈયાર ઉભા હતા, પરંતુ માદુરોના પોતાના સુરક્ષાકર્મીઓની ગદ્દારીને કારણે અમેરિકાએ એક પણ ગોળી ચલાવ્યા વગર આ અશક્ય ઓપરેશન પાર પાડી દીધું.

(5:51 PM IST)