News of Sunday, 4th January 2026
માદુરો તો માત્ર મહોરું, અસલી ખેલાડી તો તેનો પુત્ર 'ધ પ્રિન્સ' નીકળ્યો: ડ્રગ્સ સામ્રાજ્યનો ચોંકાવનારો ખુલાસો!
પિતા કરતાં પણ ૧૦ ડગલાં આગળ છે નિકોલસ ગુએરા: સરકારી જેટ અને પ્રેસિડેન્શિયલ હેંગરનો ઉપયોગ કરીને અમેરિકામાં કોકેઈન ઘુસાડવાનું 'માસ્ટરમાઈન્ડ' નેટવર્ક : મિયામીથી ન્યૂયોર્ક સુધી ફેલાયેલી છે નાર્કો-આતંકવાદની જાળ

વોશિંગ્ટન : અમેરિકી સૈન્ય દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સેલિયા ફ્લોરેસની ધરપકડ બાદ હવે દુનિયાની નજર તેમના પુત્ર નિકોલસ અર્નેસ્ટો માદુરો ગુએરા પર ટકેલી છે, જે ગુનાખોરીની દુનિયામાં 'ધ પ્રિન્સ' તરીકે કુખ્યાત છે. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સના તાજેતરના અહેવાલો મુજબ, માદુરોનો આ વારસદાર તેના પિતા કરતા પણ વધુ શાતિર રીતે નાર્કો-આતંકવાદનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. 'ધ પ્રિન્સ' પર આરોપ છે કે તેણે વેનેઝુએલાની સરકારી મિલકતો, સૈન્ય વિમાનો અને રાજદ્વારી ચેનલોનો ઉપયોગ મેક્સીકન કાર્ટેલ અને કોલમ્બિયન ગેરિલા જૂથોને મદદ કરવા માટે કર્યો હતો. તે માત્ર શાસક પક્ષનો નેતા નથી, પરંતુ વેનેઝુએલાથી અમેરિકા સુધી કોકેઈન સપ્લાય કરનાર સૌથી મોટા ગેંગનો માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું છે.
તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા થયા છે કે ૨૦૧૪ અને ૨૦૧૫ દરમિયાન, નિકોલસ ગુએરા મહિનામાં બે વાર સરકારી 'ફાલ્કન ૯૦૦' જેટમાં માર્ગારીટા ટાપુની મુસાફરી કરતો હતો. આ વિમાન મુસાફરો માટે નહીં, પરંતુ કોકેઈનના હજારો કિલોગ્રામ પેકેટોથી ભરેલું રહેતું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે બડાઈ મારી હતી કે તેના ડ્રગ્સથી ભરેલા વિમાનો અમેરિકાના એરસ્પેસ પર પણ ગમે ત્યાં ઉડી શકે છે. એટલું જ નહીં, ૨૦૧૭ માં તેણે મિયામીમાં સેંકડો કિલોગ્રામ ડ્રગ્સ મોકલવાનું સંકલન કર્યું હતું અને જ્યારે માલની ગુણવત્તા ખરાબ હોવાને કારણે મિયામીમાં વેચાયો નહીં, ત્યારે તેણે તે જથ્થો ન્યૂયોર્ક મોકલી દેવાની યોજના બનાવી હતી. આ કાવતરામાં તે સ્ક્રેપ મેટલના કન્ટેનરમાં છુપાવીને યુએસ બંદરો પર ડ્રગ્સ ઘુસાડતો હતો.
'ધ પ્રિન્સ' ના આ કાળા કારોબારમાં 'કાર્ટેલ ડે લોસ સોલ્સ' નામનું સંગઠન મુખ્ય ભૂમિકા ભજવતું હતું, જેમાં વેનેઝુએલાના ઉચ્ચ કક્ષાના લશ્કરી અધિકારીઓ સામેલ છે. પ્રોસિક્યુટર્સનો દાવો છે કે ડ્રગ્સના વેચાણમાંથી જે અબજો રૂપિયાની કમાણી થતી હતી, તેનો ઉપયોગ માદુરોની પત્ની સેલિયા ફ્લોરેસની રાજકીય ઝુંબેશ અને સત્તા ટકાવી રાખવા માટે થતો હતો. હવે ટ્રમ્પ વહીવટીતંત્રે માદુરો પરિવાર સામે નાર્કો-આતંકવાદ, કોકેઈન આયાત અને ભારે શસ્ત્રોના સંગ્રહના ગંભીર આરોપો મૂક્યા છે. માદુરોની ધરપકડ પછી 'ધ પ્રિન્સ' હવે અમેરિકાની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ટોચ પર છે, કારણ કે તેના ડ્રગ્સ નેટવર્કે લાખો અમેરિકી યુવાનોનું જીવન બરબાદ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
