News of Sunday, 4th January 2026
હરિયાણા કોંગ્રેસમાં મોટું ગાબડું: દિગ્ગજ નેતા રાધેશ્યામ શર્માનો 'હાથ' છોડી 'પંજા' સાથે છેડો ફાડવાનો નિર્ણય!
દક્ષિણ હરિયાણાના કદાવર નેતા રાધેશ્યામ શર્મા ૧૮ જાન્યુઆરીએ અભય સિંહ ચૌટાલાની હાજરીમાં INLD નો કેસરીયો ધારણ કરશે : ગુરુગ્રામની ગુપ્ત બેઠક બાદ મહેન્દ્રગઢના રાજકીય સમીકરણોમાં જોરદાર પલટો

નારનૌલ: હરિયાણાના રાજકારણમાં ઠંડીની મોસમ વચ્ચે રાજકીય ગરમાવો તેજ થયો છે. મહેન્દ્રગઢ જિલ્લાના નારનૌલ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા રાધેશ્યામ શર્માએ કોંગ્રેસને જોરદાર આંચકો આપીને પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. રાધેશ્યામ શર્માએ ભારતીય રાષ્ટ્રીય લોક દળ (INLD) માં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય માત્ર મહેન્દ્રગઢ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેને દક્ષિણ હરિયાણામાં કોંગ્રેસના મૂળિયા નબળા કરવાના અને INLD ને ફરીથી બેઠું કરવાના મોટા વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ રાજકીય પલટાની પટકથા ગુરુગ્રામમાં રાધેશ્યામ શર્માના નિવાસસ્થાને લખાઈ હતી, જ્યાં તેમણે INLD ના રાષ્ટ્રીય પ્રમુખ અભય સિંહ ચૌટાલા સાથે લાંબી મંત્રણા કરી હતી. આ ગુપ્ત બેઠક બાદ હવે ૧૮ જાન્યુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે નાંગલ ચૌધરી ખાતે એક વિશાળ જનસભામાં શર્મા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ચૌટાલાની પાર્ટીમાં જોડાશે. અભય સિંહ ચૌટાલા પોતે આ કાર્યક્રમમાં હાજર રહીને શર્માનું સ્વાગત કરશે, જે સૂચવે છે કે INLD તેમને આગામી સમયમાં કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે.
રાધેશ્યામ શર્માનું કોંગ્રેસ છોડવું એ એવા સમયે આવ્યું છે જ્યારે પાર્ટી રાજ્યમાં મજબૂત થવાનો દાવો કરી રહી હતી. શર્માનો પોતાના વિસ્તારમાં મોટો પ્રભાવ છે અને તેમના જવાથી કોંગ્રેસના કેડર વોટમાં મોટું ગાબડું પડવાની શક્યતા છે. બીજી તરફ, છેલ્લા કેટલાક સમયથી હાંસિયામાં ધકેલાયેલી INLD માટે શર્મા જેવા અનુભવી નેતાનું જોડાવું એ સંજીવની સમાન માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે ૧૮ જાન્યુઆરીની આ રેલી હરિયાણાના ભવિષ્યના રાજકારણમાં કેવો વળાંક લાવે છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
