News of Sunday, 4th January 2026
માદુરોની ધરપકડથી એક અનામી વેપારી રાતોરાત બન્યો કરોડપતિ: ₹27 લાખના રોકાણ સામે મળ્યા ₹4 કરોડ!
રાજકીય આગાહી બજારમાં ખેલાયો લોહી ઉકાળનારો ખેલ :અમેરિકી હુમલાની સત્તાવાર જાહેરાત પહેલાં જ એક વેપારીએ માદુરોની સત્તા જવાની કરી હતી આગાહી

નવી દિલ્હી: દુનિયા જ્યારે વેનેઝુએલા પર અમેરિકાના સૈન્ય હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના સમાચાર સાંભળીને સ્તબ્ધ હતી, ત્યારે ડિજિટલ ટ્રેડિંગની દુનિયામાં એક અનામી વેપારી જશ્ન મનાવી રહ્યો હતો. આ વેપારીએ 'પ્રિડિક્શન માર્કેટ' (આગાહી બજાર) માં એક અત્યંત જોખમી દાવ લગાવ્યો હતો કે જાન્યુઆરી 2026ના અંત સુધીમાં માદુરો સત્તા પર રહેશે નહીં. જ્યારે આ શરત લગાવી ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે અમેરિકા આવી કોઈ કાર્યવાહી કરશે. આ વેપારીએ માત્ર ₹27 લાખ (2.7 મિલિયન) રોક્યા હતા, જે યુએસ આર્મીના 'ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ' ની પુષ્ટિ થતાની સાથે જ થોડા જ કલાકોમાં વધીને આશરે ₹4 કરોડ (3.9 કરોડ) થઈ ગયા હતા.
આગાહી બજારો અથવા પ્રિડિક્શન માર્કેટ કેવી રીતે કામ કરે છે તે સમજવું પણ રસપ્રદ છે. આ પ્લેટફોર્મ પર લોકો ભવિષ્યની મોટી ઘટનાઓ જેવી કે ચૂંટણી, યુદ્ધ કે રાજકીય પતન પર નાણાં લગાવે છે. માદુરોની પકડ મજબૂત હતી ત્યાં સુધી આ શરત જીતવાની શક્યતા શૂન્ય ગણાતી હતી, જેના કારણે તેનું વળતર ખૂબ ઊંચું હતું. પરંતુ 3 જાન્યુઆરીએ ટ્રમ્પે જેવી માદુરોની ધરપકડની લાઈવ જાહેરાત કરી, કે તરત જ આ શરતનું મૂલ્ય રોકેટની ગતિએ આસમાને પહોંચી ગયું. આ સોદાને વિશ્વના રાજકીય સટ્ટાબાજીના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી નફાકારક સોદાઓમાંનો એક ગણવામાં આવી રહ્યો છે.
જોકે, આટલી ચોક્કસ આગાહી અને મોટા રોકાણને કારણે બજારમાં 'ઇનસાઇડર ટ્રેડિંગ' એટલે કે અંદરની માહિતી લીક થઈ હોવાના સવાલો પણ ઉઠ્યા છે. વિશ્લેષકો શંકા કરી રહ્યા છે કે શું આ વેપારીને અમેરિકાના આ ગુપ્ત ઓપરેશનની વિગતો અગાઉથી જ મળી ગઈ હતી? અત્યાર સુધી આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ભૂ-રાજકીય અસ્થિરતા હવે માત્ર સત્તા પલટો જ નથી કરતી, પણ નાણાકીય બજારોમાં પણ અણધારી તકો પેદા કરે છે. આ આર્થિક વળતર જેટલું આકર્ષક લાગે છે, તેટલું જ તે જોખમી પણ હોય છે, કારણ કે જો માદુરો સત્તા પર ટકી રહ્યા હોત તો આ વેપારીના તમામ નાણાં ડૂબી ગયા હોત.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
