<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

ગ્લેમરની દુનિયા છોડી રસ્તા પર 'રોલ' વેચવા મજબૂર બન્યો CIDનો એક્ટર: જાણો 'સિકંદર'ની સંઘર્ષકથા!

સાવધાન ઇન્ડિયા અને રફુચક્કર જેવી વેબ સિરીઝમાં વિલન અને ઇન્સ્પેક્ટર બનનાર સિકંદર હવે જબલપુરમાં મુંબઈ ફ્રેન્કી વેચી રહ્યો છે : કાર્ટ પર લગાવેલા શૂટિંગના પોસ્ટરો જોઈ ગ્રાહકો પણ આશ્ચર્યચકિત થઈ પૂછે છે- "તમે અહીં?"

જબલપુર:  મુંબઈના માયાનગરીની ચમક-ધમક પાછળ હજારો કલાકારોના સંઘર્ષની વાર્તાઓ છુપાયેલી હોય છે, પરંતુ જબલપુરના સિકંદરની વાર્તા કંઈક અલગ જ છે. CID, સાવધાન ઈન્ડિયા અને રફુચક્કર જેવી હિટ વેબ સિરીઝમાં ઇન્સ્પેક્ટર અને ગેંગસ્ટરની ભૂમિકાઓ ભજવનાર આ કલાકાર આજે જબલપુરના ભંવરતાલ ગાર્ડન પાસે એક નાનકડી લારી પર 'મુંબઈ ફ્રેન્કી રોલ' વેચી રહ્યો છે. BA ગ્રેજ્યુએટ હોવા છતાં અને મુંબઈમાં ઓળખ બનાવ્યા બાદ પણ નસીબ તેને પાછું વતન ખેંચી લાવ્યું. તેની લારીની ખાસિયત એ છે કે ત્યાં તેના શૂટિંગના ફોટા અને પોસ્ટરો લાગેલા છે, જે જોઈને આવતા-જતા ગ્રાહકો ઊભા રહી જાય છે અને આ 'રીલ લાઈફ' ના કલાકારની 'રિયલ લાઈફ' ની સફર વિશે પૂછવા મજબૂર બને છે.

સિકંદર માટે ઘર છોડીને મુંબઈ જવાનો નિર્ણય સરળ નહોતો. બાળપણથી જ થિયેટરનો શોખ ધરાવતા આ કલાકારે મુંબઈમાં ગુજરાન ચલાવવા માટે રેસ્ટોરન્ટમાં પણ કામ કર્યું અને નાના ભાડાના રૂમમાં રહીને ઓડિશન આપ્યા. 'રફુચક્કર' જેવી સિરીઝમાં નાની ભૂમિકા મેળવવા માટે પણ સેંકડો લોકો સામે સ્પર્ધા કરવી પડતી હતી. જોકે, લગ્ન અને બાળકો થયા બાદ પરિવારનો વિરહ તેને સતાવવા લાગ્યો. બાળકોની યાદ અને ઘરની જવાબદારીઓને કારણે તે જબલપુર પાછો ફર્યો. ખાતરી નહોતી કે વતનમાં શું કરવું, ત્યારે મુંબઈના એક મિત્રએ સલાહ આપી કે જે ફ્રેન્કી રોલ્સ મુંબઈમાં ફેમસ છે, તે જબલપુરમાં શરૂ કરો. આજે સિકંદર પોતાની લારી પર એ જ સ્વાદ પીરસી રહ્યો છે.

સિકંદરની આ નાનકડી દુકાન માત્ર પેટ ભરવાનું સાધન નથી, પણ તેની યાદોનું સંગ્રહાલય પણ છે. ગ્રાહકો જ્યારે તેના રોલ તૈયાર થવાની રાહ જુએ છે, ત્યારે સિકંદર તેમને મુંબઈની એ વ્યસ્ત દુનિયા, શૂટિંગના અનુભવો અને સંઘર્ષની વાર્તાઓ સંભળાવે છે. તે કહે છે કે શૂટિંગમાં જે રીતે મહેનત પડતી હતી, તેવી જ મહેનત આજે સ્વાદિષ્ટ રોલ બનાવવામાં પડે છે. જોકે તે હવે એક્ટર તરીકે પડદા પર દેખાતો નથી, પણ ગ્રાહકો જે રીતે તેની વાર્તા સાંભળીને તેના ચાહક બની રહ્યા છે, તે તેને એક અલગ પ્રકારનો સંતોષ આપે છે. ગ્લેમર છોડીને આત્મનિર્ભર બનેલા આ સિકંદરની હિંમતને આજે આખું જબલપુર સલામ કરી રહ્યું છે.

(9:17 PM IST)