<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

વેનેઝુએલાના નિકોલસ માદુરો બાદ હવે ટ્રમ્પ સરકારના નિશાના પર ક્યુબા? વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આપી ખુલ્લી ચેતવણી, કહ્યું કે મને લાગે છે કે તેઓ (ક્યુબા સરકાર) મોટી મુસીબતમાં છે

વેનેઝુએલામાં થયેલી કાર્યવાહી બાદ રુબિયોના આ નિવેદનને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે, જે સંકેત આપે છે કે અમેરિકા હવે લેટિન અમેરિકામાં ડિક્ટેટરશીપ ધરાવતા દેશો સામે કડક વલણ અપનાવશે

વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ મંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયોએ વેનેઝુએલાના નિકોલસ માદુરોને પકડવા માટેના ઓપરેશનની ચર્ચા વચ્ચે લેટિન અમેરિકામાં અમેરિકાની આગામી રણનીતિ અંગે મહત્વના સંકેતો આપ્યા છે. 

રવિવારે એનબીસી ન્યૂઝના 'મીટ ધ પ્રેસ' કાર્યક્રમમાં બોલતા રુબિયોએ સ્પષ્ટ કર્યું હતું કે હવે ક્યુબાની સરકાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

જ્યારે પત્રકાર ક્રિસ્ટન વેલકરે સીધો સવાલ પૂછ્યો કે, "શું ટ્રમ્પ પ્રશાસનનો આગામી ટાર્ગેટ ક્યુબાની સરકાર છે?" ત્યારે રુબિયોએ સ્વીકાર્યું હતું કે, "હા, ક્યુબાની સરકાર એક બહુ મોટી સમસ્યા છે."

જ્યારે પત્રકારે આ વાતની સ્પષ્ટતા માંગી ત્યારે રુબિયોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "મને લાગે છે કે તેઓ (ક્યુબા સરકાર) મોટી મુસીબતમાં છે. અમે ભવિષ્યમાં શું પગલાં લઈશું અને અમારી નીતિઓ શું હશે તે અંગે હું અત્યારે જાહેરમાં વાત નહીં કરું. પરંતુ મને નથી લાગતું કે તે કોઈ રહસ્ય છે કે અમે ક્યુબાના વર્તમાન શાસનના સમર્થક નથી."

અત્રે ઉલ્લેખનીય છે કે માર્કો રુબિયો મૂળ ક્યુબન-અમેરિકન છે અને તેઓ વર્ષોથી ક્યુબા અને વેનેઝુએલાની સામ્યવાદી સરકારોના કડક ટીકાકાર રહ્યા છે. 

વેનેઝુએલામાં થયેલી કાર્યવાહી બાદ રુબિયોના આ નિવેદનને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી જોવામાં આવી રહ્યું છે, જે સંકેત આપે છે કે અમેરિકા હવે લેટિન અમેરિકામાં ડિક્ટેટરશીપ ધરાવતા દેશો સામે કડક વલણ અપનાવશે.

(10:50 PM IST)