<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

માઉન્‍ટ આબુમાં શિમલા જેવો માહોલઃ પ્રવાસીઓ ઉમટયા

માઉન્‍ટ આબુનું લઘુત્તમ તાપમાન માઇનસ ૪ ડિગ્રી આસપાસ નોંધાયું: મેદાન, વાહનો અને રસ્‍તા પર બરફની આછેરી ચાદર પથરાઈ ગઈ છે

 

માઉન્‍ટ આબુ તા.૫: રાજસ્‍થાનના એકમાત્ર હિલ સ્‍ટેશન માઉન્‍ટ આબુમાં હાલ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો સતત ગગડતા સહેલાણીઓ કોહરા સાથે કડકડતી ઠંડીનો આનંદ લઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતથી જ સતત માઉન્‍ટ આબુમાં હવામાનમાં ફેરફાર આવ્‍યો છે. લધુત્તમ તાપમાન શૂન્‍ય (૦) ડિગ્રીથી નીચે પહોંચી જતાં સવારમાં મેદાન, વાહનો અને રસ્‍તા પર બરફની આછેરી ચાદર પથરાઈ ગઈ છે.

હાલમાં માઉન્‍ટ આબુનું લઘુત્તમ તાપમાન માઇનસ ૪ ડિગ્રી આસપાસ નોંધાયું હતુ, જ્‍યારે ગુરુ શિખર જેવા ઉચ્‍ચ વિસ્‍તારોમાં તે માઇનસ ૬ ડિગ્રી સુધી પહોંચી ગયું હતુ. રાત્રે ભેજ જામી જવાથી વાહનો, હોટલોના ફર્નિચર, ખુરશી-ટેબલ, મેદાનો, ગાર્ડન અને નક્કી તળાવની દીવાલો પર બરફ જેવી જાડો થર જામી ગયો હતો. સવારે આ લ્લશ્‍યો જોઈને પ્રવાસીઓ આનંદિત થઈ જાય છે અને ફોટા-વીડિયો લઈને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

મહત્‍વનું છે કે ગુજરાતમાંથી મોટી સંખ્‍યા પર્યટકો માઉન્‍ટ આબુમાં હરવા-ફરવા જાય છે ત્‍યારે ખુશનુમા વાતાવરણ થતાં પ્રવાસની મજા બમણી થઈ ગઈ છે. માઉન્‍ટ આબુમાં માઈનસ ૩ ડિગ્રી જેટલું સવારનું તાપમાન નોંધાયું છે જેના કારણે મેદાનો અને વાહનો પર બરફના થર જામી ગયા છે. પક્ષીઓ માટે ઘરની બહાર રાખેલા પાણીના કુંડા પણ જામી ગયા છે.  સનસેટ પોઈન્‍ટ, હનીમૂન પોઈન્‍ટ, શૂટિગ પોઈન્‍ટ પર પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્‍યો. કુદરતી વાતાવરણ ખિલતા લોકો નક્કી લેકમાં બોટિગનો આનંદ માણી રહ્યા છે.

બરફનો નજારો જોતાં જ લોકો શિમલા જેવા વાતાવરણનો અનુભવ રહ્યા છે. આ ઉપરાંત અરવલ્‍લી પર્વતમાળાના સૌથી ઊંચા ગુરુ શિખર, અચલગઢ, કુંભારવાડા સહિત અનેક વિસ્‍તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્‍યો છે. ગાઢ ધુમ્‍મસના કારણે વાહનોની અવર જવરમાં પરેશાની ઊભી થઈ છે.

ગુજરાતીઓનું સૌથી પ્રિય પ્રવાસન સ્‍થળ માઉન્‍ટ આબુમાં આવી ઠંડીના કારણે પ્રવાસીઓની સંખ્‍યામાં ભારે વધારો થયો છે. જમ્‍મુ-કાશ્‍મીર કે હિમાચલ જવાની જરૂર વગર અહીં જ ગુલમર્ગ જેવું વાતાવરણ મળી રહ્યું છે. પ્રવાસીઓ બોનફાયરની આસપાસ બેસીને ગરમ ચા-કોફીનો આનંદ માણી રહ્યા છે, જ્‍યારે કેટલાક બરફ જેવી પરત પર ચાલીને મજા કરી રહ્યા છે.

સ્‍થાનિક હોટલ વ્‍યવસાયીઓએ જણાવ્‍યું કે, છેલ્‍લા કેટલાક દિવસોથી બુકિગમાં ૫૦% થી વધુ વધારો થયો છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્‍યપ્રદેશના પર્યટકો મોટી સંખ્‍યામાં આવી રહ્યા છે.(૩૮.૪)

(10:06 AM IST)